1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠા: વડગામનો પાણિયારી ઘોઘ જીવંત બનતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યાં
બનાસકાંઠા:  વડગામનો પાણિયારી ઘોઘ જીવંત બનતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યાં

બનાસકાંઠા: વડગામનો પાણિયારી ઘોઘ જીવંત બનતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યાં

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ડીસા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ભરાઈ ગયા હતા. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડગામનો પાણિયારી ધોધ જીવંત બન્યો છે. ધોધ જીવંત બનતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે, જેનાં નયનરમ્ય દૃશ્યો જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી નદી-નાળાં છલકાયાં છે. ત્યારે વડગામનો પાણિયારી ધોધ જીવંત બનતાં આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં. ભાગ્યે જ જોવા મળતાં આ દૃશ્યોને નિહાળવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. સોમવાર સવારથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે લાખણી, દાંતીવાડા અને ડીસામાં બે કલાકમાં જ મેઘરાજાએ પાણી…પાણી…કરી દીધું હતું. સવારે 10થી 12 દરમિયાન ડીસામાં બે ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ અને લાખણીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં ધીમી ધારે મેઘમહેર થઈ રહી છે. જોકે  જિલ્લાના 14 તાલુકામાં વરસાદની હજી ઘટ વર્તાઈ રહી છે. તેની વચ્ચે જ આજે જાણે મેઘરાજા આ ઘટ પૂરી કરવા પધાર્યા હોય એ રીતે વરસી રહ્યા છે. ત્યારે ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. જિલ્લામાં થયેલા વાવેતર પર કાચા સોનારૂપી વરસાદ વરસતાં ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ વરસે એવી આશા વ્યક્ત કરી હતી.

બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. જિલ્લાના 14 તાલુકામાં સરેરાશ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પણ સમયાંતરે વરસાદના ઝાપટાં પડતા હોવાથી વરસાદની ઘટ પુરાઈ જશે. એવું ખેડુતોનું માનવું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code