લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. દરમિયાન દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર બેઠકો અને કોંગ્રેસ 3 બેઠકો પોતાના ઉમેદવારો ઉભા રાખે તેવી ફોર્મ્યુલા નક્કી થયાનું જાણવા મળે છે.
દિલ્હીમાં આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડી શકે છે. આમ આદમી પાર્ટી ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન માટે કોંગ્રેસને ત્રણ સીટો ઓફર કરી છે. આ અંગે લગભગ સર્વસંમતિ સંધાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમ આદમી પાર્ટીએ ચાંદની ચોક સીટ કોંગ્રેસને આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હી અને ઉત્તર પૂર્વની બેઠકો કોંગ્રેસને આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. બંને પક્ષો AAPની ત્રણ બેઠકોની ઓફર માટે સંમત થયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડી શકે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, આ અંગે ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે.