પાર્લરમાં હજારો ખર્ચવાને બદલે આ 5 નેચરલ વસ્તુઓથી ચહેરો ચમકી ઉઠશે
આજકાલ ગ્લોઇંગ સ્કિન માટે લોકો બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચે છે. મોંઘા ફેશિયલ, સલૂન ટ્રીટમેન્ટ્સ અને કેમિકલ-આધારિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને તરત નિખાર તો મળે છે, પરંતુ થોડા સમય પછી તે ત્વચા ફરીથી નિસ્તેજ અને નિર્જીવ દેખાવા લાગે છે. ત્વચાના નિષ્ણાતો પણ માને છે કે ત્વચાની અસલી સુંદરતા અંદરથી આવે છે અને તેના માટે મોંઘી વસ્તુઓની નહીં, પરંતુ યોગ્ય કાળજીની જરૂર હોય છે. આ જ કારણ છે કે આપણી દાદી-નાનીના જમાનામાં ત્વચા પર કુદરતી અને દેશી વસ્તુઓનો ઉપયોગ થતો હતો, જે કોઈ પણ આડઅસર વગર ચહેરાનો ગ્લો બમણો કરી દેતી હતી. સૌથી સારી વાત એ છે કે, આ વસ્તુઓ પર રૂ. 2000 ખર્ચવાની જરૂર નથી, બસ થોડી કાળજી અને યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે.
દૂધ અને મલાઈઃ જો તમારી સ્કિન ખૂબ જ ડ્રાય (શુષ્ક) હોય તો દૂધ અને મલાઈનો માસ્ક તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં નેચરલ મોઇશ્ચર જોવા મળે છે, જે ચહેરાની ડ્રાયનેસ ઘટાડે છે અને વ્હાઇટ પેચિસ પણ દૂર કરે છે. એક વાટકીમાં 1 ચમચી દૂધમાં 1 ચમચી મલાઈ મિક્સ કરો.તેને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 3-4 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
મધ અને લીંબુઃ જો તમારો ચહેરો ખૂબ જ નિસ્તેજ અને કરમાયેલો (ડલ) થઈ ગયો હોય તો મધ અને લીંબુનો માસ્ક ખૂબ જ સારો છે. જો ત્વચા સંવેદનશીલ હોય તો લીંબુ ઓછી માત્રામાં જ મિક્સ કરવું. આ પેક લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા થાય છે અને સ્કિન ટોન પણ બ્રાઇટ થાય છે. 1 ચમચી મધમાં 2-3 ટીપાં લીંબુ મિક્સ કરીને 7-8 મિનિટ રાખો અને પછી ધોઈ લો.
દહીં અને બેસનઃ દહીં અને બેસનને ગ્લોઇંગ સ્કિન માટે સૌથી અસરકારક માનવામાં આવે છે.11 ચમચી બેસન સાથે 1 ચમચી દહીં અને ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્વચા સાફ કરીને આ પેસ્ટ લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર તેનો ઉપયોગ કરવાથી સ્કિન ટોન સુધરે છે, પોર્સ ક્લીયર થાય છે અને ચહેરો સ્વચ્છ અને ગ્લોઇંગ બને છે.
એલોવેરા જેલઃ એલોવેરાને સ્કિનકેર માટે વરદાન માનવામાં આવે છે. તે તમારી ત્વચાની લગભગ દરેક સમસ્યાનું નિરાકરણ છે. તેમાં એન્ટી-ઇન્ફ્લેમેશન અસર હોય છે જે પિમ્પલ્સની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તે રેડનેસ ઓછી કરીને ત્વચાને ચમકદાર બનાવે છે. તમારે ફક્ત રાત્રે સૂતા પહેલા હળવા હાથે મસાજ કરીને ચહેરા પર એપ્લાય કરવાનું છે. તાજા એલોવેરા જેલનો ઉપયોગ કરવો વધુ સારો છે.
કાચા બટાકાઃ કાચા બટાકાની પાતળી સ્લાઇસ કરીને ચહેરા પર 5 મિનિટ સુધી ઘસો. આ ડાર્ક સ્પોટ્સ (કાળા ડાઘ) અને આંખોની આસપાસના ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદરૂપ છે. કાચા બટાકામાં એન્ઝાઇમ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે ચહેરાના કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. જો સ્કિન ખૂબ જ ડ્રાય હોય તો પછીથી મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં.


