શિયાળામાં હાથ-પગની ત્વચા ફાટી ગઈ છે? ઘરે બનાવો આ હોમમેડ ક્રીમ, ફાટેલી ત્વચા બનશે મુલાયમ
નવી દિલ્હી: શિયાળામાં ચહેરા ઉપરાંત હાથની ત્વચા પર સૌથી વધુ અસર થાય છે, કારણ કે શરીરનો આ ભાગ સૌથી વધુ પાણીના સંપર્કમાં આવે છે. આ કારણે કેટલાક લોકોની હથેળીઓમાં પણ તિરાડો પડી જાય છે અને પાછળની ત્વચા સંકોચાઈ જવી, સ્ક્રેચ પડવા અને સોજો જેવી સમસ્યાઓ થવા લાગે છે. માત્ર ચહેરાની સંભાળ લેવી પૂરતી નથી, પરંતુ હાથની ત્વચાની પણ કાળજી લેવી જોઈએ, કારણ કે તમારા એકંદર વ્યક્તિત્વ માટે તે જરૂરી છે કે ચમકદાર ચહેરાની સાથે તમારા હાથ-પગની ત્વચા પણ સ્વસ્થ દેખાય. આ આર્ટિકલમાં આપણે એક એવી ક્રીમ વિશે જાણીશું જેને તમે ઘરે તૈયાર કરી શકો છો. આ ક્રીમ હાથ-પગની ત્વચાને રિપેર કરવા સાથે તેને મુલાયમ જાળવી રાખવામાં મદદ કરશે. બજારમાં મળતા લોશનની તુલનામાં, ઘરે બનાવેલી આ હેન્ડ ક્રીમમાં સિન્થેટીક સુગંધ, પેરાબેન અને ત્વચાને નુકસાન પહોંચાડતા હાનિકારક પ્રિઝર્વેટિવ્સ હોતા નથી. આ ઉપરાંત, તે સસ્તી પણ છે. સંવેદનશીલ ત્વચા (Sensitive Skin) ધરાવતા લોકો માટે તો ઘરે બનાવેલી આ ક્રીમ વધુ ફાયદાકારક છે, કારણ કે તેમાં માત્ર કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે.
• સામગ્રી
|
સામગ્રી |
પ્રમાણ | ફાયદો |
| નાળિયેર તેલ / બદામનું તેલ | 2 ચમચી | ત્વચાને પોષણ આપીને મુલાયમ અને ભેજયુક્ત રાખે છે. |
| પીળું મીણ | 1 ચમચી | મધપૂડામાંથી મળે છે. ત્વચા પર રક્ષણાત્મક સ્તર બનાવે છે. |
| વિટામિન E કેપ્સ્યુલ | 2 નંગ | ક્રીમની શેલ્ફ લાઇફ વધારે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતા સુધારીને સંકોચન ઘટાડે છે. |
| હળદર | 2-3 ચપટી | ડેમેજ સ્કિન રિપેર કરે છે, ઘા રૂઝાવે છે અને રંગત સુધારે છે. |
| ગ્લિસરીન | 1 ચમચી | ત્વચામાં ભેજ જાળવી રાખે છે. |
| ટી-ટ્રી ઓઇલ / લેવેન્ડર ઓઇલ | થોડા ટીપાં (વૈકલ્પિક) | ત્વચાને ફાયદો પહોંચાડે છે અને ક્રીમને સારી સુગંધ આપે છે. |
• ક્રીમ બનાવવાની સરળ રીત
મીણ અને તેલ ઓગાળો: ક્રીમ બનાવવા માટે ડબલ બોઇલર પદ્ધતિ અપનાવવી. એટલે કે, ઉકળતા પાણી પર બીજું એક વાસણ મૂકો, જેમાં મીણ અને નાળિયેર તેલ (અથવા બદામનું તેલ) નાખી ધીમા તાપે પીગાળો.
મિશ્રણ તૈયાર કરો: તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જ્યાં સુધી બધું સંપૂર્ણપણે ઓગળી ન જાય અને સારી રીતે ભળી ન જાય. ધ્યાન રાખો કે તેને ઉકાળવાનું નથી.
હળવું ઠંડું કરો: મીણ અને તેલના મિશ્રણને આંચ પરથી ઉતારી લો અને 1-2 મિનિટ સુધી સહેજ ઠંડું થવા દો. (જો બદામનું તેલ લીધું હોય, તો ફક્ત મીણ પીગાળવાની જરૂર પડશે).
અન્ય સામગ્રી ઉમેરો: તૈયાર કરેલા મિશ્રણમાં હળદર, વિટામિન E કેપ્સ્યુલ અને ગ્લિસરીન ઉમેરો. જો સુગંધ જોઈતી હોય, તો એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં પણ ઉમેરો.
મિક્સ કરો અને સ્ટોર કરો: હવે આ મિશ્રણને ગોળ ફેરવતા સારી રીતે મિક્સ કરો. આ રીતે તમારી ક્રીમનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જશે.
તૈયાર ક્રીમને કોઈ જારમાં ભરીને સ્ટોર કરી લો. રોજ રાત્રે સૂતા પહેલા આ ક્રીમને તમારા હાથ અને પગ પર લગાવીને સૂઓ.


