દુનિયાભરમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ફરી એકવાર માથું ઊંચકી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને સીરિયામાં કોહરામ મચાવ્યા બાદ હવે આતંકીઓની નજર નાતાલ (ક્રિસમસ) અને નવા વર્ષની ઉજવણીઓ પર છે. લોકોની રજાઓ અને તહેવારનો માહોલ બગાડવા માટે ISIS મિડલ ઈસ્ટ અને યુરોપમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. અમેરિકન મેગેઝિન ‘ન્યૂઝવીક’ દ્વારા આતંકીઓના કોડવર્ડ મેસેજ ડિકોડ કરીને આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, ક્રિસમસ અને ન્યુ યરની રજાઓમાં ભાંગફોડ કરવા માટે સ્લીપર સેલ એક્ટિવ થઈ ગયા છે. આતંકીઓનો મુખ્ય ઉદ્દેશ્ય બિન-મુસ્લિમ દેશોને નિશાન બનાવવાનો છે. આ માટે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને સાઉદી અરેબિયામાં બેસીને હુમલાના પ્લાન ઘડવામાં આવી રહ્યા છે. અબુ બકર અલ બગદાદીના ખાતમા બાદ ISISની કમર તૂટી ગઈ હતી, પરંતુ સંગઠને હવે નવેસરથી પોતાની તાકાત એકઠી કરી લીધી છે. હાલમાં ઈસ્લામિક સ્ટેટ પાસે 10 હજાર જેટલા સક્રિય લડાકુઓ છે. આ ઉપરાંત અનેક દેશોમાં છૂટાછવાયા આતંકીઓ સક્રિય છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ISIS પ્રભાવિત આતંકીઓએ કરેલા હુમલામાં 16 લોકોના મોત થયા હતા.
વર્ષ 2025માં ISIS દ્વારા કરવામાં આવેલા મોટાભાગના હુમલાઓ ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના સ્થળો પર થયા છે. આ વર્ષે ત્રણ વખત ચર્ચ પર હુમલા થયા જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા હુમલામાં પણ યહૂદી સમુદાયના લોકો તહેવાર મનાવવા એકઠા થયા હતા ત્યારે જ ટાર્ગેટ કરાયા હતા.
જર્મની અને પોલેન્ડમાં ક્રિસમસ બજારો પર હુમલાના કાવતરાને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઈસ્લામિક સ્ટેટે તેના સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આતંકીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ સક્રિય છે. ISISના મેગેઝિન ‘અલ-નબા’ મુજબ, હવે આતંકીઓને માત્ર વિચારધારા અને કટ્ટરપંથી ટ્રેનિંગ અપાય છે. તેમને હુમલાનો કોઈ ચોક્કસ પ્લાન અપાતો નથી, પરંતુ ટ્રેનિંગ બાદ આતંકીઓ જાતે જ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ની મદદથી હુમલાનો પ્લાન તૈયાર કરી લે છે.


