1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગિફ્ટના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ
ગિફ્ટના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

ગિફ્ટના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

0
Social Share

અમરેલી, 24 જાન્યુઆરી 2026: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે 7 વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે.બનાવની હકીકત એવી હતી કે, જૂન 2023માં ફરિયાદી પિયુષ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ ડયુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. 14,09,000 પડાવી લેવામાં આવ્યા હતા.

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસીને શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR/SDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું. તપાસમાં ખુલેલું કે આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમ દ્વારા ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ અને 2 બોગસ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના રિપોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી સાબિત કરવામાં આવ્યું કે આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા.

નામદાર કોર્ટ, અમરેલીએ આ કેસમાં મહત્વનો આદેશ આપ્યો. જેમાં આરોપીને IPC ની કલમ 420 હેઠળ 7 વર્ષની સાદી કેદ અને દંડ, તેમજ કલમ 467,468,471 અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ દોષિત ઠેરવવામાં આવી છે.સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા 11 સાક્ષીઓ અને 142 દસ્તાવેજી પુરાવાઓ તેમજ NCRBના ડેટા સાથેની ધારદાર રજૂઆતના આધારે અદાલતે આ કડક સજા ફટકારી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતની જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા માટે અમારી પોલીસ સજ્જ છે. આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે. ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં. હરિયાણાથી આરોપીને પકડી લાવી સજા અપાવવી એ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે. અમે નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ આપવા કટિબદ્ધ છીએ. કાયદા રાજ્ય મંત્રી  કૌશિક વેકરિયાએ જણાવ્યું છે કે, મજબૂત ઇન્વેસ્ટિગેશન અને અસરકારક કાયદાકીય રજૂઆતને કારણે આ ઐતિહાસિક સજા શક્ય બની છે. નકલી દસ્તાવેજો અને વિદેશી ઓળખ પાછળ છુપાયેલા ગુનેગારને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.આ કેસમાં તપાસ કરનાર અમરેલી પોલીસની સમગ્ર ટીમ અને ન્યાયપાલિકા સાથે સંકળાયેલી સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ જીવન પછી પણ જીવંત રહેતો પ્રેમ: એક એવી ભેટ જે પેઢીઓને સુરક્ષિત કરે છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code