ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે
ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2026: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે. તા. 3 માર્ચના રોજ રોજ હોળી છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2018થી 2025 સુધી છેલ્લા 8 વર્ષમાં અંદાજે 13,994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા 260 લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે.
વધુ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને થશે સીધો લાભ: ભૂપેન્દ્ર પટેલ


