યુએઈમાં ફસાયેલા 300 ભારતીયો આજે વિશેષ ફ્લાઈટો દ્વારા પરત આવશે
નવી દિલ્હી / દુબઈ, 4 માર્ચ, 2026: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવા માટે ખાનગી વિમાનન કંપની સ્પાઇસ જેટ એ પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે તે આજે 4 માર્ચના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી 8 વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે પશ્ચિમ એશિયામાં હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ થવાથી વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં ભારતીયોને વતન પહોંચાડવા માટે આ 8 વિશેષ ઉડાણો દ્વારા UAE ના ફુજૈરાહથી ભારતના વિવિધ મુખ્ય શહેરો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે, જેની વિગતો નીચે મુજબ છે:
-
દિલ્હી માટે 4 વિશેષ ઉડાણોનું સંચાલન કરવામાં આવ્યું છે.
-
મુંબઈ માટે 4 વિશેષ ઉડાણોનું સંચાલન કરવામાં આવ્યું છે.
-
કોચ્ચિ માટે 1 વિશેષ ઉડાણનું સંચાલન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એરલાઈન્સે 3 માર્ચના રોજ પણ 4 વિશેષ ફ્લાઈટ્સ દોડાવી હતી. હવે સ્થિતિને જોતા સ્પાઇસ જેટ 4 માર્ચથી પોતાની નિર્ધારિત ફુજૈરાહ-દિલ્હી અને ફુજૈરાહ-મુંબઈ ફ્લાઈટ્સ પણ ફરીથી શરૂ કરી દેશે.
કુવૈતમાં ફસાયેલા 300 ભારતીયોની મદદ માટે પોકાર
બીજી તરફ, કુવૈતમાં પણ અંદાજે 300 જેટલા ભારતીય નાગરિકો ફસાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ લોકો હાલમાં કુવૈતની હોટલ ક્રાઉન પ્લાઝામાં રોકાયેલા છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ હવે ગંભીર બની રહી છે. ત્યાં ફસાયેલા કલ્પેશ સંજય રાઠીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, હોટલ મેનેજમેન્ટ તેમને કોઈ મદદ કરી રહ્યું નથી અને કુવૈત સરકાર તરફથી પણ હજુ સુધી કોઈ નક્કર આશ્વાસન મળ્યું નથી.
આ 300 નાગરિકોમાંથી મોટાભાગના લોકો મહારાષ્ટ્રના રહેવાસી છે. આ મુસાફરો કોઈ કામ અર્થે અથવા ટ્રાન્ઝિટ (એક દેશથી બીજા દેશમાં જવા દરમિયાનના રોકાણ) માટે ત્યાં પહોંચ્યા હતા. હોટલમાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર અને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને ભારત પરત લાવવા માટે મદદની માંગ કરી છે.


