Homeગુજરાતીજંતર-મંતર પર નીટ પરીક્ષા મુદ્દે યોજાયેલા દેખાવો દરમિયાન પાકિસ્તાનના ઈશારે આતંકી કરવાના...

જંતર-મંતર પર નીટ પરીક્ષા મુદ્દે યોજાયેલા દેખાવો દરમિયાન પાકિસ્તાનના ઈશારે આતંકી કરવાના હતા હુમલો

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં યોજાયેલા વિદ્યાર્થીઓના દેખાવોનો ગેરલાભ ઉઠાવીને દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવાની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની નાપાક ચાલને સુરક્ષા એજન્સીઓએ સમયસર નિષ્ફળ બનાવી દીધી હતી. પંજાબ પોલીસે પાકિસ્તાનની આઈએસઆઈના ઈશારે કામ કરતા બે ખતરનાક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને 4 સગીરો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, પિસ્તોલ અને જીવતા કારતુસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

  • જંતર-મંતર પર હુમલાની હતી ઘાતક યોજના

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર મોટી સંખ્યામાં છાત્રો અને લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ જ અશાંતિનો ફાયદો ઉઠાવીને ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રદર્શન દરમિયાન મોટો આતંકવાદી હુમલો કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન પકડાયેલા એક મુખ્ય આરોપી સુખમન સિંહે ખુલાસો કર્યો કે, તે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલરના સીધા સંપર્કમાં હતો. તેને પોતાના 8 સાથીઓ સાથે દિલ્હી પહોંચવાનું ટાસ્ક મળ્યું હતું. દિલ્હીમાં ઉત્તર પ્રદેશના એક શખ્સ દ્વારા તેમને હથિયાર અને વિસ્ફોટકો ઉપલબ્ધ કરાવવાના હતા, પરંતુ જંતર-મંતર પર સઘન સુરક્ષા વ્યવસ્થા હોવાના કારણે આતંકીઓ પોતાના મસૂબામાં સફળ થઈ શક્યા નહીં અને પરત ફર્યા હતા.

  • બે અલગ-અલગ મોડ્યુલનો પર્દાફાશ

રાજાસાંસી મોડ્યુલઃ પંજાબ પોલીસની પકડમાં આવેલ પ્રથમ મોડ્યુલ રાજાસાંસી વિસ્તારમાંથી પકડાયું હતું, જેમાં સુખમન સિંહ અને તેના 3 સગીર સાથીઓ સામેલ હતા. તેમના કબજામાંથી 4 પેટ્રોલ બોમ્બ, 2 પિસ્તોલ, 9 જીવતા કારતુસ અને લાઈટર જપ્ત કરવામાં આવ્યા છે. આ સગીરોને કાચની બોટલોમાંથી પેટ્રોલ બોમ્બ બનાવવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

રેલવે ટ્રેક પર ગુપ્ત કેમેરા લગાવનારું મોડ્યુલ: બીજા મોડ્યુલનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગત મહિને જોડા ફાટક પાસે રેલવે ટ્રેકના પોલ પર શંકાસ્પદ કેમેરા મળી આવ્યા હતા. તપાસમાં વંશ કુમાર અને તેના એક સગીર સાથીની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી પિસ્તોલ, સીસીટીવી કેમેરા અને ચોરીની મોટરસાયકલ મળી આવી હતી. આ આરોપીઓ ટ્રેનો અને સંવેદનશીલ વિસ્તારોની ગતિવિધિઓ રેકોર્ડ કરીને પાકિસ્તાન મોકલતા હતા. આ કેસમાં હથિયાર સપ્લાયર અનમોલ સિંહ તેમજ અગાઉથી જેલમાં બંધ સુખદેવ સિંહ અને હરમન સિંહની ભૂમિકા પણ સામે આવી છે.

  • ગરીબ અને સગીર યુવાનોને બનાવ્યા ટાર્ગેટ

પંજાબ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા મોટાભાગના આરોપીઓ અને સગીરો અત્યંત ગરીબ પરિવારોમાંથી આવે છે અને તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. પાકિસ્તાની હેન્ડલરો દ્વારા તેમને નાણાકીય પ્રલોભન આપીને દેશવિરોધી ગતિવિધિઓમાં ધકેલવામાં આવ્યા હતા. આરોપીઓને માત્ર હુમલાઓ માટે જ નહીં, પરંતુ પંજાબમાં પોલીસ મથકો અને સુરક્ષાકર્મીઓની રેકી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશન અંગે વાત કરતા અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ ભુલ્લરએ જણાવ્યું હતું કે, “પંજાબના મુખ્યમંત્રીની આતંકવાદ સામેની ઝીરો-ટોલરન્સ નીતિ અંતર્ગત અમૃતસર કમિશનરેટ પોલીસે આઈએસઆઈ સમર્થિત બે ટેરર મોડ્યુલનો સંપૂર્ણ નાશ કર્યો છે. કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 સગીર અને 5 પુખ્ત વયના લોકો સામેલ છે.” પોલીસ હાલ આ તમામ આરોપીઓના પાકિસ્તાની હેન્ડલર્સ, ફંડિંગ નેટવર્ક અને ઉત્તર પ્રદેશના શંકાસ્પદ સંપર્કો વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સંબંધિત લેખો

Most Popular