200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમા આજે પણ અકબંધ છે: જગદીશભાઈ વિશ્વકર્મા
- દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
જેતલપુર, 10 માર્ચ, 2026 – Jetalpurdham ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ‘માં ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશભાઈ વિશ્વકર્માએ પ.પૂ.ધ.ધુ. કૌશલ્યપ્રસાદ મહારાજજી, પ.પૂ. તેજેન્દ્રપ્રસાદ મહારાજજી પ.પૂ. વજેન્દ્રપ્રસાદ મહારાજજી તથા સ્વામી નિર્ગુણદાસજી મહારાજ સહિત ઉપસ્થિત સર્વે સાધુ સંતોને વંદન કરી ‘જય સ્વામિનારાયણ’ના નાદ સાથે હરિભક્તોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભગવાનની અસીમ કૃપાથી આજે જેતલપુરમાં જાણે એક આખું નગર વસ્યું હોય તેવો દિવ્ય સમૈયો ઉજવાઈ રહ્યો છે.
તેમણે પોતાના બાળપણનાં સ્મરણો વાગોળતા કહ્યું કે, નાનપણમાં તેઓ ચાલીને જેતલપુર દર્શનાર્થે આવતા. ૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ આ સ્થાનનો મહિમા આજે પણ એટલો જ અકબંધ છે.

સંસ્થા સ્ટેપલર મશીન, આપણે સૌ તેની પીન
સંસ્થાના કાર્યને બિરદાવતા તેમણે એક માર્મિક ઉદાહરણ આપતા કહ્યું કે, આ સંસ્થા એક સ્ટેપ્લર મશીન જેવું કાર્ય કરે છે અને આપણે સૌ તેની પીન સમાન છીએ. જેમ કરોડો રૂપિયાના દસ્તાવેજોને એક નાનકડી સ્ટેપ્લરની પીન સાચવી રાખે છે, તેમ જો આપણું જોડાણ મંદિર અને ભગવાન સાથે હશે તો જ આપણું જીવન અને સંસ્કારો સુરક્ષિત રહેશે. જો આ જોડાણ તૂટ્યું, તો સમજજો કે જિંદગીનો સૌથી અગત્યનો કાગળ વિખેરાઈ ગયો.
મહોત્સવમાં આયોજિત પ્રદર્શનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રદર્શન યુવા પેઢીમાં દેશભક્તિ જગાડનારી છે. આ ઉપરાંત ઊભી કરાયેલી બાળનગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ જેવા સેવાકીય પ્રકલ્પો સનાતન ધર્મના સાચા પ્રચારનું માધ્યમ છે.
આ પણ વાંચોઃ રક્ષા મંત્રીએ ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર ભારતીય સૈન્ય માટેનો રોડમેપ’ રજૂ કર્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અનુસાર ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સપનાને સાકાર કરવા તેમણે હરિભક્તોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી. વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિ સંદર્ભે વિશ્વકર્માએ તમામ ભક્તોને વિશ્વમાં શાંતિ સ્થપાય અને હકારાત્મક વાતાવરણ સર્જાય તે માટે બે મિનિટ સ્વામિનારાયણ ધૂન કરવા આહવાન કર્યું હતું. અંતમાં, ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સહુને સાથે મળી સહકાર આપવા તેમણે અપીલ કરી હતી. આ ગરિમામય પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ભાજપા અગ્રણીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


