ભરૂચ, 2 જુલાઈ, 2026 : Truck overturns after a gap opens up on a bridge દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વર નજીક બ્રિજ પર અચાનક ગાબડુ પડતા ટ્રક પલટી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર દોડતા વાહનોની સુરક્ષા અને કરોડોના ખર્ચે બનેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વર નજીક આવેલા અડોલ અને પીલુદરા ગામની વચ્ચે બ્રિજ પર અચાનક ગાબડું પડી ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રકચાલકને રસ્તા પરના આ અણધાર્યા ગાબડાનો અંદાજ આવ્યો ન હતો, જેના કારણે ટ્રકનું સંતુલન બગડ્યું હતું અને ટ્રક હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગયો હતો. આ અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એ ભારતનો સૌથી આધુનિક હાઈવે ગણાય છે, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં પણ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. નવા બ્રિજ પર ગાબડા પડે અને સળિયા દેખાવા લાગે તે ગંભીર બાબત ગણાય.


