1. Home
  2. Agency
  3. News
  4. સોનમ વાંગચૂક જેલમાંથી મુક્ત થશે, સરકારે NSA આરોપ પરત ખેંચ્યો
સોનમ વાંગચૂક જેલમાંથી મુક્ત થશે, સરકારે NSA આરોપ પરત ખેંચ્યો

સોનમ વાંગચૂક જેલમાંથી મુક્ત થશે, સરકારે NSA આરોપ પરત ખેંચ્યો

0
Social Share

નવી દિલ્હી, 14 માર્ચ, 2026: Sonam Wangchuk વિવિધ મુદ્દે લદાખમાં હિંસક દેખાવો માટે જવાબદાર મનાતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂક 170 દિવસ પછી જેલમાંથી મુક્ત થઈ જશે. કેન્દ્ર સરકારે શનિવારે લદ્દાખના સોનમ વાંગચુકની NSA હેઠળની અટકાયતને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. આ નિર્ણય લગભગ 6 મહિનાની અટકાયત બાદ લેવામાં આવ્યો છે, જેને લદ્દાખમાં તણાવ ઘટાડવા અને વાતચીત વધારવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

સપ્ટેમ્બર 2025 માં લેહમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદ વાંગચુકને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમની મુક્તિને લઈને તે સમયે અનેક વિરોધ પક્ષોએ અવાજ ઉઠાવ્યો હતો.

તત્કાળ મુક્તિનો આદેશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NSAની સત્તાનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકને કોઈપણ શરત વગર તરત જ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. વાંગચુકને ગયા વર્ષે 26 સપ્ટેમ્બર 2025 ના રોજ લેહના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર NSA હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 24 સપ્ટેમ્બર 2025 ના રોજ લેહમાં થયેલા હિંસક પ્રદર્શનો પછી કરવામાં આવી હતી, જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ પ્રદર્શનો લદ્દાખને રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ, જમીન અધિકારો, નોકરીઓ અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે થઈ રહ્યા હતા. પરંતુ એવો આક્ષેપ થયો હતો કે વાંગચૂકના એક ભાષણ પછી તરત હિંસા ફાટી નીકળી હતી.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સરકાર લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તમામ પક્ષો સાથે અર્થપૂર્ણ અને રચનાત્મક વાતચીત થઈ શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઉદ્દેશ્યને આગળ વધારવા માટે અને વિચાર-વિમર્શ પછી, સરકારે NSA હેઠળ ઉપલબ્ધ સત્તાઓનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકની અટકાયતને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે.’ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ પણ પુનરોચ્ચાર કર્યો કે વાંગચુકે NSA હેઠળની મહત્તમ અટકાયત અવધિનો લગભગ અડધો સમય પહેલેથી જ પૂરો કરી લીધો હતો.

હવે શું થશે?

કેન્દ્ર સરકારે લદ્દાખ માટે ‘તમામ જરૂરી સુરક્ષા પગલાં’ આપવાના વચનનો પુનરોચ્ચાર કર્યો છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે વાંગચુકની મુક્તિથી વાતચીત ફરી ઝડપી બનશે. અગાઉથી રચાયેલી હાઈ પાવર્ડ કમિટીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ સામેલ છે, જે માંગણીઓ પર ચર્ચા કરી રહી છે. જોકે, કાર્યકરોએ તેમાં વિલંબની ફરિયાદ કરી હતી. હવે આશા છે કે લદ્દાખના મુદ્દાઓ જેવા કે 33 ટકા સ્થાનિક નોકરી અનામત, વિકાસ અને સાંસ્કૃતિક સંરક્ષણ પર સકારાત્મક પ્રગતિ થશે. આ નિર્ણય 2019 માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી ચાલી રહેલી માંગણીઓ અને આંદોલનો વચ્ચે આવ્યો છે, જ્યાં લેહ એપેક્સ બોડી જેવી સંસ્થાઓ સક્રિય રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code