Homeગુજરાતીજંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે કેમ બંધ નથી કરી દેવામાં આવતું?: દિલ્હી હાઈકોર્ટનો...

જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે કેમ બંધ નથી કરી દેવામાં આવતું?: દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, જંતર-મંતર વિસ્તારને પ્રદર્શન સ્થળ તરીકે કેમ બંધ કરવામાં આવી રહ્યો નથી? જસ્ટિસ અમિત મહાજને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે શહેરને બિનજરૂરી રીતે પ્રદર્શનો દ્વારા બાનમાં ન લેવું જોઈએ. અદાલત ‘ઓલ ઇન્ડિયા દલિત ક્રિશ્ચિયન રાઇટ્સ પ્રોટેક્શન કમિટી’ ની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં દિલ્હી પોલીસને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ માંગવામાં આવ્યો હતો. અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ સંજય ઘોષે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં વધુમાં વધુ 75 લોકો સામેલ થશે અને પોલીસ જુલાઈથી આ અરજી પર કોઈ નિર્ણય લઈ રહી નથી.

જસ્ટિસ મહાજને એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માને પૂછ્યું હતું કે, “તમે આ જગ્યાને કેમ બંધ કરી દેતા નથી? મારા મતે શહેરની વચ્ચે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન હોવી જોઈએ. શહેરને બિનજરૂરી રીતે કેમ બાનમાં રાખવામાં આવે?” તેમણે ઉમેર્યું કે આ સરકારનો નિર્ણય છે, પરંતુ શહેરને આ રીતે પરેશાન ન કરવું જોઈએ. જવાબમાં એએસજી શર્માએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહેલેથી જ વિચારધીન છે કે જંતર-મંતરને પ્રદર્શન સ્થળ જાહેર કરવું કે નહીં. તેમણે ઉમેર્યું કે વિસ્તારમાં કલમ 144 લાગુ છે અને 15 ઓગસ્ટ નજીક હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ સખત છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે શરૂઆતમાં 75 લોકો હોવાનો દાવો કરનારાઓ ભીડ વધારી શકે છે.

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટે શાહીન બાગ કેસમાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારને માન્યતા આપી છે. આના પર જસ્ટિસ મહાજને જવાબ આપ્યો કે, લોકશાહી અધિકારોની વાત અલગ છે, પરંતુ તેના કારણે શહેરને બાનમાં ન લઈ શકાય. અદાલતે દિલ્હી પોલીસને અરજદારની અરજી પર 8 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપીને આ અરજીનો નિકાલ કર્યો છે.

સંબંધિત લેખો

Most Popular