અમદાવાદ, 3 ઓક્ટોબર, 2026 : Fire NOC now mandatory for party plots, domes and other garba venues નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં પોલીસ કમિશનરે ગરબા આયોજકોની બેઠક બોલાવીને જરૂરી સુચનાઓ આપી હતી. દરમિયાન ફાયર બ્રિગેડ વિભાગે પણ ગરબા આયોજકો માટે એસઓપી જાહેર કરી છે, જેમાં એસી ડોમમાં કરાતા ગરબાના આયોજકોએ ફાયર સેફ્ટીને લઈને ટેમ્પરરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ફરજિયાત લેવાનું રહેશે. દરેક ગરબા આયોજકોએ ફાયર વિભાગ દ્વારા સર્ટીફીકેટ મેળવવાનું રહેશે અને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં એસી ડોમમાં યોજાતા ગરબાના આયોજકોએ ફાયર સેફટી માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ફરજિયાત લેવાનું રહેશે રાજ્ય સરકારની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. જો તમામ નિયમોનું પાલન કરેલું હશે તો જ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન જો ફાયર સેફટીના નિયમોને લઈને કોઈ પણ બાંધછોડ કે ખામી જણાશે તો તેમની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ નવરાત્રી મહોત્સવમાં ગરબાના આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ ફોર ટેમ્પરરી સ્ટ્રક્ચર મેળવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકારના ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેમાં અરજી કર્યા બાદ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કક્ષાના અધિકારીઓ દ્વારા સ્થળ પર ફાયરના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. તમામ પુરાવાઓની હાર્ડ કોપી તેમની પાસેથી મેળવવામાં આવશે. ચેકિંગ બાદ ફાયર એનઓસી આપવામાં આવશે. ખાસ કરીને એસી ડોમ માટે ઇમરજન્સી એક્ઝિટ ગેઈટ, ઇલેક્ટ્રીક વાયરીંગ સહિતની તમામ બાબતોની તપાસ કરી અને તેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. જો કોઈપણ નિયમોનો ભંગ જણાશે અથવા પાલન નહીં કરવામાં આવ્યું હોય તો સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. દરેક ગરબા આયોજકોએ ફાયર વિભાગ દ્વારા સર્ટીફીકેટ મેળવવાનું રહેશે અને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. (File photo)


