અમદાવાદ, 7 ઓક્ટોબર, 2026 : 4 accused of child trafficking gang arrested શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં શ્રમજીવી પરિવારના માસુમ બાળકનું અપહરણ કરીને પલાયન થયેલી બાળ તસ્કરી ગેન્ગના ઉત્તર પ્રદેશના બે સગીર સહિત ચાર આરોપીને દબોચી લઈને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અપહ્રત બાળકને મુક્ત કરાવીને તેના પરિવારને સોંપ્યું હતુ. આરાપીઓએ રૂપિયા 10 લાખમાં બાળકને વેચવાનો સોદો નક્કી કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ન્યૂ રાણીપ વિસ્તારમાં વાડિયા તળાવ પાસે ફૂટપાથ પર એક શ્રમજીવી પરિવાર રહેતો હતો. આ પરિવારમાં સવા મહિનાનું એક બાળક પણ હતું. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે એક યુવતી ટુ વ્હીલર લઈને આવી હતી. અને એક મહિનો અને સાત દિવસના આ બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. બાળક ગૂમ થતા પરિવારે પોલીસને જાણ કરી હતી. બાળકની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચની આશરે છ ટીમો, ઝોન-2 અને ઝોન-3 LCBની ટીમો તેમજ સ્થાનિક પોલીસની ટીમો સહિત આશરે 10 ટીમો કામે લાગી હતી. DCP ક્રાઈમથી લઈને ઝોન-2 અને ઝોન-3ના DCP સહિતના અધિકારીઓ પણ તપાસની દેખરેખમાં જોડાયા હતા. પોલીસે બાળકને શોધવા માટે ઘટનાના રૂટને બેકટ્રેક કર્યો હતો. આ દરમિયાન આશરે 1300 CCTV કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક પછી એક ફૂટેજ જોડીને પોલીસ અપહરણકર્તાઓની હિલચાલ સુધી પહોંચી હતી. આરોપીઓએ આ ઘટના પહેલાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પણ બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 9:55થી 10 વાગ્યાની આસપાસ આરોપીઓ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક બાળકની ઉઠાંતરી કરી હતી, જો કે આ બાળકી હોવાનો ખ્યાલ આવતા આરોપીઓ તેને ત્યાં જ બાળકીને પરત મુકીને ફરાર થઈ ગયા હતા.
પોલીસની વધતી નાકાબંધી વચ્ચે આરોપીઓ 3 ઓક્ટોબરે વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ વાડીયા તળાવની સામેના છેડા તરફ બાળકને મૂકીને ભાગી ગયા હતા. ત્યારબાદ આશરે અડધા કલાકમાં એક રાહદારીએ 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને તેના માતા-પિતા પાસે લઈ જઈ ઓળખની પુષ્ટિ કરી હતી. બાળકની ચોરી કરનારી યુવતી જીનલ પરમાર રાણીપમાંથી જ મળી આવી હતી. પોલીસે જીનલની ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી. જીનલે આ બાળક ચોરીના રેકેટમાં અન્ય બે સગીર હોવાનું પણ જણાવ્યું હતું જેથી પોલીસે બે સગીરની પણ અટકાયત કરી હતી. જીનલ બાળક લઈ આપે તો તેને અને બે સગીરને 2-2 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું.


