1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શબ્બીર લોનની કરી ધરપકડ
દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શબ્બીર લોનની કરી ધરપકડ

દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શબ્બીર લોનની કરી ધરપકડ

0
Social Share

નવી દિલ્હી, 30 માર્ચ 2026: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદ વિરુદ્ધ એક ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર શબ્બીર અહેમદ લોનની બાંગ્લાદેશ સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોન ઢાકા (બાંગ્લાદેશ) નજીક છુપાઈને લશ્કરના એક સક્રિય મોડ્યુલનું સંચાલન કરી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડ કોઈ સામાન્ય પ્રક્રિયા નહોતી, પરંતુ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ‘કેટ-એન્ડ-માઉસ’ જેવી જટિલ કાર્યવાહીનું પરિણામ હતી. આ સમગ્ર ઓપરેશનનું સીધું નિરીક્ષણ પોલીસ કમિશનર સતીશ ગોલચા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. એડિશનલ પોલીસ કમિશનર પ્રમોદ કુશવાહા, એસીપી લલિત નેગી અને ઈન્સ્પેક્ટર સુનીલ રજૈનના નેતૃત્વમાં દિલ્હી પોલીસની વિશેષ ટીમ લાંબા સમયથી લોનની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, લોન દિલ્હી, કોલકાતા અને તમિલનાડુમાં યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભરતી કરવામાં અને તેમને ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે શબ્બીર અહેમદ લોન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સીધા નિર્દેશો હેઠળ કામ કરતો હતો. તે સરહદ પારથી મળતી સૂચનાઓ મુજબ ભારતમાં કોઈ મોટા આતંકી મિશનને અંજામ આપવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ ધરપકડ બાદ હવે અન્ય કયા શંકાસ્પદ લોકો લોન સાથે જોડાયેલા છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

શબ્બીર લોનને અગાઉ વર્ષ 2007માં આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપમાં દિલ્હી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2019માં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ગુપ્ત રીતે બાંગ્લાદેશ ભાગી ગયો હતો. બાંગ્લાદેશમાં રહીને તેણે લશ્કર અને ISI માટે એક નવું આતંકી સેલ સ્થાપિત કર્યું હતું, જે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી ATS માટે મોટો પડકાર બની ગયું હતું. વર્ષ 2026માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયેલા 8 શંકાસ્પદ આતંકીઓના તાર પણ શબ્બીર લોન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદો પાસેથી દિલ્હીના મહત્વના સ્થળોના ફોટા અને બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code