ચાબહાર પોર્ટ ભારત-ઈરાન મિત્રતાનો ગોલ્ડન બ્રિજ: યુદ્ધના તણાવ વચ્ચે પણ બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા
તેહરાન, 10 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષની સ્થિતિ વચ્ચે પણ ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અકબંધ રહ્યા છે. ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે ચાબહાર પોર્ટની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને આ પોર્ટને ભારત-ઈરાન મૈત્રીના ‘સુવર્ણ પુલ’ (ગોલ્ડન બ્રિજ) તરીકે ઓળખાવ્યો છે.
ઈરાન એમ્બેસીએ ‘એક્સ’ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચાબહાર પોર્ટ માત્ર એક બંદર નથી પરંતુ બંને દેશો વચ્ચેના સહયોગનું પ્રતીક છે. આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના કામચલાઉ યુદ્ધવિરામ પર સહમતી સધાઈ છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન ઈરાને ચાબહાર પર ભાર મૂકીને સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેની તેની આર્થિક ભાગીદારી અત્યંત મહત્વની છે.
ભારત માટે ચાબહાર પોર્ટ આર્થિક અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યું છે. ભારત પાકિસ્તાન પર નિર્ભર રહ્યા વગર અફઘાનિસ્તાન, મધ્ય એશિયા (તુર્કમેનિસ્થાન, ઉઝબેકિસ્તાન વગેરે), રશિયા અને યુરોપ સુધી પહોંચવા માટે ચાબહારનો ઉપયોગ ‘ગોલ્ડન ગેટ’ તરીકે કરે છે. આ પોર્ટ ભારતની ‘કનેક્ટ સેન્ટ્રલ એશિયા’ અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર નીતિનો મહત્વનો હિસ્સો છે. મે 2024માં ભારત અને ઈરાન વચ્ચે ચાબહારના સંચાલન માટે 10 વર્ષનો ઐતિહાસિક કરાર થયો હતો. આ અંતર્ગત ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડને શહીદ બહેશ્તી ટર્મિનલના વિકાસ અને સંચાલનનો અધિકાર મળ્યો છે. ભારત અત્યાર સુધી આ પોર્ટ પર આશરે 120 મિલિયન ડોલર (લગભગ રૂ. 1000 કરોડ) નું રોકાણ કરી ચૂક્યું છે.
પાકિસ્તાનની મધ્યસ્થતામાં થયેલા આ યુદ્ધવિરામનો ઉદ્દેશ્ય તણાવ ઓછો કરવાનો અને મહત્વના શિપિંગ રૂટ ફરીથી ખોલવાનો છે. જોકે, લેબનાનમાં ચાલી રહેલા હુમલાઓને કારણે સ્થિતિ હજુ પણ નાજુક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ વચ્ચે સીઝફાયર અંગે વધુ ચર્ચા થશે. નિષ્ણાતો માને છે કે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ચાબહાર પોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈરાને વિશ્વને સંદેશ આપ્યો છે કે તે ભારત જેવા જૂના મિત્ર સાથેના આર્થિક સંબંધોને કોઈપણ કિંમતે જાળવી રાખશે.


