ભારતની સુરક્ષા કવચ વધુ મજબૂત: સૈન્યને મળશે વધુ બે ઘાતક MRSAM મિસાઈલ રેજિમેન્ટ
નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાના જોખમો વચ્ચે ભારતે પોતાની સંરક્ષણ પ્રણાલીને વધુ લોખંડી બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ ખરીદી બોર્ડ (ડીપીબી) એ મધ્યમ અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ (એમએરએસએએમ) ની વધુ બે નવી રેજિમેન્ટની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે.
સંરક્ષણ સચિવની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વની બેઠકમાં ત્રણેય સેનાઓના વાઇસ ચીફ અને ડીઆરડીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ, આધુનિક યુદ્ધમાં જે રીતે મિસાઈલ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, તેને જોતા ભારતની એર ડિફેન્સ સિસ્ટમને વધુ વ્યાપક બનાવવી અનિવાર્ય છે.
MRSAM સિસ્ટમ એ ભારતની સૌથી આધુનિક સંરક્ષણ પ્રણાલીઓમાંની એક છે. આ સિસ્ટમ ભારતના ડીઆરડીઓ અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (આઈએઆઈ) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ તેનું નિર્માણ ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ 70 કિલોમીટરથી વધુ દૂર રહેલા દુશ્મન વિમાન, ક્રૂઝ મિસાઈલ અને આધુનિક ડ્રોનને ચોકસાઈપૂર્વક તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
નવી રેજિમેન્ટના સમાવેશથી દેશના મહત્વના સૈન્ય મથકો અને વ્યૂહાત્મક વિસ્તારોની સુરક્ષા અભેદ્ય બનશે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં બદલાતા હવાઈ જોખમો સામે લડવા માટે વાયુસેના અને ભૂમિસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. તાજેતરના વૈશ્વિક યુદ્ધોએ સાબિત કર્યું છે કે જે દેશ પાસે મજબૂત એર ડિફેન્સ છે, તે જ જંગમાં ટકી શકે છે.
આ પણ વાંચોઃ એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન મુદ્દે ચર્ચા થઈ


