આજના ભાગદોડભર્યા યુગમાં સ્ટ્રેસથી મુક્તિ મેળવવા અપનાવો આ 5 સરળ આદતો
આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં ઓફિસ કે વર્કપ્લેસ પર ટાર્ગેટ પૂરા કરવા અને ડેડલાઈનની અંદર કામ પતાવવાનું દબાણ એટલું વધી ગયું છે કે, લોકો માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. આ સતત વધતા ટેન્શનના કારણે લોકોમાં માનસિક તણાવ, ચિંતા અને લો-એનર્જી (થાક) જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. જો તમે પણ અંદરથી ખુશ અને તણાવમુક્ત રહેવા માંગો છો, તો તમારી રોજીંદી લાઈફસ્ટાઈલમાં કેટલાક નાના પરંતુ ખૂબ જ અસરકારક ફેરફારો કરવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, સવારથી સાંજ સુધીની આપણી નાની-નાની આદતો જ આપણી માનસિક અને શારીરિક સુખાકારી નક્કી કરે છે. ચાલો જાણીએ એવી 5 સુવર્ણ આદતો વિશે, જે તમારા જીવનમાંથી તણાવને કાયમ માટે બાય-બાય કહી દેશે:
સવારની શરૂઆત ડિજિટલ ડિટોક્સ અને શ્વાસ પર ફોકસ સાથે કરો
મોટાભાગના લોકોની આદત હોય છે કે સવારે આંખ ખુલતાની સાથે જ તેઓ સૌથી પહેલા ફોન હાથમાં લે છે અને સોશિયલ મીડિયા કે ઓફિસના નોટિફિકેશન ચેક કરવા લાગે છે. આ આદત સવાર-સવારમાં જ તમારા સ્ટ્રેસ હોર્મોન્સને સક્રિય કરી દે છે. આના બદલે સવારે ઉઠીને ઓછામાં ઓછી 15-20 મિનિટ ફોનથી દૂર રહો. બેડ પર બેઠા-બેઠા જ 1 થી 2 મિનિટ સુધી ઊંડા અને ધીમા શ્વાસ લો અને છોડો. આ નાનકડી પ્રક્રિયા તમારા શરીરનો આળસ દૂર કરશે અને મનને શાંત રાખશે.
રોજ માત્ર 5 મિનિટ મૌન અને મેડિટેશન
જો તમારો આખો દિવસ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેતો હોય, તો રોજ થોડી મિનિટો ધ્યાન ધરવાની આદત પાડો. શરૂઆતમાં કશું ન ફાવે તો માત્ર 5 મિનિટ એકાંતમાં આંખો બંધ કરીને ટટ્ટાર બેસી જાઓ અને બિલકુલ મૌન રહો. તમારા શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પ્રથા મનની અંદર ચાલતી વિચારોની ઉથલપાથલને શાંત કરવામાં રામબાણ ઈલાજ સાબિત થશે અને ધીમે-ધીમે આ આદત ઊંડા મેડિટેશનમાં બદલાઈ જશે.
‘માઇન્ડફુલ ઇટિંગ’ એટલે કે સ્વાદ માણીને જમો
ખોરાક માત્ર આપણું પેટ નથી ભરતો, પરંતુ તે શરીર માટે એક ઔષધિ સમાન છે. આથી હંમેશા માઇન્ડફુલ ઇટિંગ કરો. જમતી વખતે ટીવી, મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનથી બિલકુલ દૂર રહો. જે પણ ભોજન થાળીમાં હોય, તેના દરેક બાઇટ (નિવાલા) નો સ્વાદ માણીને, ચાવી-ચાવીને પ્રેમથી જમો. પોષક તત્વોથી ભરપૂર આહાર જ્યારે તમે શાંત મને લો છો, ત્યારે તે મનને અદભુત સંતોષ આપે છે.
પર્સનલ ટાઇમને ‘ઓપ્શનલ’ ન ગણો, ‘મી-ટાઇમ’ ફિક્સ કરો
આખો દિવસ ઓફિસ અને પરિવારની જવાબદારીઓ નિભાવ્યા પછી, દિવસમાં ઓછામાં ઓછી અડધી કે એક કલાકનો સમય એવો કાઢો જે માત્ર ને માત્ર તમારો પોતાનો જ હોય. આ સમયને ક્યારેય વૈકલ્પિક ન ગણો. આ પર્સનલ ટાઈમમાં તમને ગમતી પ્રવૃત્તિ કરો, જેમ કે ગીતો સાંભળવા, પુસ્તક વાંચવું, સ્કિન કેર કરવી અથવા તમારી જાતને કોઈ નાની ટ્રીટ આપવી. આનાથી તમારો મૂડ તરત જ રિફ્રેશ થઈ જશે.
દિવસનો અંત ‘કૃતજ્ઞતા’ સાથે કરો
જેમ દિવસની શરૂઆત હકારાત્મકતાથી થવી જોઈએ, તેમ દિવસનો અંત પણ ઈશ્વર પ્રત્યે આભારની લાગણી (Gratitude) વ્યક્ત કરીને કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા દિવસભર તમારી સાથે જે કંઈ પણ સારું બન્યું હોય, તેના માટે ભગવાનનો આભાર માનો. આ કરવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં પોઝિટિવિટી વધશે અને તમને રાત્રે ખૂબ જ શાંતિપૂર્ણ ઊંઘ આવશે.
આ પણ વાંચોઃ NEET UG પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય સૂત્રધાર મહિલા પ્રોફેસરની ધરપકડ


