નવી દિલ્હી, 22 જુલાઈ 2026: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલ મામલે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. મુસ્લિમ પક્ષ દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા શુક્રવારની નમાઝ અદા કરવા માટે ફાળવવામાં આવેલી વૈકલ્પિક જમીન વિવાદિત ભોજશાળા પરિસરમાંથી ઘણી દૂર આવેલી છે. આ મહત્ત્વપૂર્ણ મામલાની આગામી સુનાવણી હવે શુક્રવારે હાથ ધરવામાં આવશે.
બુધવારે (22 જુલાઈએ) સુપ્રીમ કોર્ટમાં ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન મધ્ય પ્રદેશ સરકારે ન્યાયાલયને આશ્વાસન આપ્યું હતું કે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢવા માટે ભોજશાળાની નજીક જ યોગ્ય વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, સરકાર દ્વારા અગાઉ ફાળવવામાં આવેલી જગ્યા સામે મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો છે.
-
મુસ્લિમ પક્ષની દલીલ: જમીન બે કિલોમીટર દૂર છે
સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો મુજબ, ભોજશાળા સંકુલની આસપાસ જ મુસ્લિમોને શુક્રવારની નમાઝ અદા કરવા માટે જગ્યા ફાળવવાની હતી. મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે સરકારે જે વૈકલ્પિક જમીન ફાળવી છે તે ભોજશાળાથી અંદાજે બે કિલોમીટર જેટલી દૂર છે, જે કોર્ટની મૂળ ભાવના અને આદેશ વિરુદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ અંતરના કારણે મુસ્લિમ સમુદાયની એક શુક્રવારની નમાઝ પહેલેથી જ છૂટી ચૂકી છે.
-
સોલિસિટર જનરલે શું કહ્યું?
સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે વાસ્તવમાં આ જગ્યા માત્ર 900 મીટરના અંતરે છે, તેમ છતાં અધિકારીઓ ભોજશાળાની વધુ નજીક અન્ય કોઈ યોગ્ય જગ્યા શોધી રહ્યા છે. એસજી તુષાર મહેતાએ ખાતરી આપી હતી કે તેઓ આ મામલાને વ્યક્તિગત રીતે ધ્યાનમાં લેશે અને જરૂરી સુધારા કરશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જ્યોયમાલ્યા બાગચીએ ટકોર કરી હતી કે અદાલતના આદેશોનું પાલન તેની સાચી ભાવના મુજબ જ થવું જોઈએ.
-
અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યા હતા નિર્દેશ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 14 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આ કેસમાં અંતિમ નિર્ણય ન આવે, ત્યાં સુધી ભોજશાળાની આસપાસના વિસ્તારમાં જ મુસ્લિમોને નમાઝ પઢવા માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાન પીઠ સમક્ષ હવે આ મામલાની વધુ સુનાવણી શુક્રવારે નિયત કરવામાં આવી છે.


