1. Home
  2. ગુજરાતી
  3. સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા
સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા

સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા

0
Social Share

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ છેલ્લા 24 થી 25 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની ખ્યાતનામ મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલના ICU-8 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ પહોંચીને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં જે.પી. નડ્ડા, જીતેન્દ્ર સિંહ અને સોનમ વાંગચુક વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી.

આ મુલાકાત દરમિયાન જે.પી. નડ્ડાએ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓએ વાંગચુકને સરકારના એ નિર્ણયથી માહિતગાર કર્યા હતા કે કેન્દ્ર સરકાર સંસદમાં આ મુદ્દે ચર્ચા શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે વાંગચુકને આશ્વસ્ત કર્યા છે કે દેશમાં શિક્ષણ સુધારણા માટે જરૂરી અને યોગ્ય કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.

સરકારની અપીલ: આંદોલનાત્મક પગલાં ન ભરો

સરકારના પ્રતિનિધિઓએ સોનમ વાંગચુકને અનુરોધ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને અપીલ કરે કે તેઓ સરકાર પર ભરોસો જાળવી રાખે અને હવે આગળ કોઈ ઉગ્ર કે આંદોલનાત્મક પગલાં ન ભરે. મેદાંતા હોસ્પિટલ જતાં પહેલાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સોનમ વાંગચુકને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ દ્વારા મેદાંતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

હાઈકોર્ટના આદેશ બાદ ખસેડાયા

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હવે તેમની સારવાર મેદાંતામાં જ થશે, જોકે સફદરજંગ અને એઈમ્સ (AIIMS) ના ડૉક્ટરોની વિશેષ ટીમ પણ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખશે.

વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમો દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો. ગીતાંજલિએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેમને સફદરજંગથી કોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે અને તેમણે ખાસ કરીને મેદાંતા હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો હતો.

18 જુલાઈએ સફદરજંગમાં કરાયા હતા દાખલ

સોનમ વાંગચુકને ગત 18 જુલાઈએ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ભૂખ હડતાલ અને અનશન હજુ પણ યથાવત છે અને આજે તેમના અનશનનો 25મો દિવસ છે. હોસ્પિટલ દ્વારા દરરોજ તેમનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવે છે. મંગળવારે ડૉક્ટરોની વારંવારની સલાહ છતાં તેમણે પ્રવાહી (ફ્લૂઈડ) અને ગ્લુકોઝ લેવાની સાફ ના પાડી દીધી હતી. ગઈકાલે તેમનું હેલ્થ પેરામીટર સ્થિર રહ્યું હતું, જો કે તેમનું બ્લડ સુગર લેવલ ઓછું નોંધાયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code