અવકાશી આફાત: અસમમાં પૂરથી 31 લોકોનાં મોત, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ સ્થિતિ ગંભીર
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે. સૌથી ગંભીર સ્થિતિ પૂર્વોત્તરના રાજ્ય અસમમાં સર્જાઈ છે, જ્યાં સતત વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA) દ્વારા પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નીપજ્યા છે, જેના કારણે રાજ્યમાં પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોનો કુલ આંકડો વધીને 31 પર પહોંચી ગયો છે. રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ નાગરિકો પૂરની ચપેટમાં આવ્યા છે.
સૌથી વધુ પ્રભાવિત અસમનો શિવસાગર જિલ્લો બન્યો છે, જ્યાં 3.59 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓમાં પણ પૂરની ગંભીર સ્થિતિ છે. કુલ 44 રાજસ્વ મંડળો હેઠળ આવતા 872 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રભાવિત લોકોને આશરો આપવા માટે 71 શિબિરો અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં હજારો વિસ્થાપિત નાગરિકોને આશરો આપવામાં આવ્યો છે. અસમનાં મુખ્યમંત્રી હિંત વિશ્વ શર્મા બુધવારથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીની જાત સમીક્ષા કરશે.
બ્રહ્મપુત્રા સહિતની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર
અસમમાં બ્રહ્મપુત્રા, દિખો, દેસાગ અને ધનસિરી સહિતની અનેક પ્રમુખ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્થિતિને પહોંચી વળવા માટે સેના, NDRF, SDRF અને ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે. પૂરની વિપરિત અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, મકાનો ધરાશાયી
હિમાચલ પ્રદેશમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેરાવ્યો છે. કાંગડા જિલ્લાની બોહ ઘાટીમાં વાદળ ફાટવાની ઘટના અને અચાનક પૂર આવવાને કારણે અનેક મકાનો, પશુઓનાં વાડા અને ખેતરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રાહતની વાત એ રહી કે વહીવટી તંત્ર દ્વારા સમયસર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ દુર્ઘટનામાં અનેક મૂંગા પશુઓનાં મોત થયા છે અને એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે.
હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ને પગલે કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કિન્નૌર જિલ્લામાં મોટાપાયે ભૂસ્ખલન થવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 (NH-5) બંધ થઈ ગયો છે. રાજ્યભરમાં 36 માર્ગો, 43 પેયજળ યોજનાઓ અને પાંચ વીજળી ટ્રાન્સફોર્મરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં 23 લોકોનાં મોત, પવિત્ર યાત્રાઓ સ્થગિત
જમ્મુ ક્ષેત્રમાં સતત ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. પુંછ, રાજૌરી અને ડોડા જિલ્લાઓમાં રવિવારથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ 23 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે હજુ પણ 7 લોકો લાપતા છે.
ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા, વૈષ્ણો દેવી યાત્રા, શિવ ખોરી યાત્રા અને મચેલ માતા યાત્રા સતત ત્રીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ વરસાદનો કહેર
નાગાલેન્ડના મોન જિલ્લામાં ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે, જ્યારે ચાર લોકો હજુ પણ લાપતા છે. રાજ્યના 10 જિલ્લાઓના 93 ગામો આ આપત્તિથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે પાંચ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચાલુ ચોમાસાની મોસમમાં રાજ્યના અંદાજે 1.49 લાખ લોકો પ્રભાવિત થયા છે.


