અમદાવાદ, 29 સપ્ટેમ્બર, 2026 : Samaras Girls Hostel, food riots erupt ગુજરાત યુનિના કેમ્પસમાં આવેલી વિદ્યાર્થિનીઓ માટેની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી કક્ષાના ભોજન સામે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઊઠી છે. ત્યારે ભોજનમાં મૃત વંદા સહિત જીવાંત નીકળતા એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ખરાબ જીવાતવાળા ખોરાક હોસ્ટેલમાં આપવામાં આવતા અન્ય વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભોજન અંગે અગાઉ ગણી વખત ફરિયાદ કરવા છતાંયે એજન્સી સામે કોઈ જ પગલા લેવામાં આવતા નથી.
ગુજરાત યુનિ.ના કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત ભોજન અપાતુ નથી. ભોજનમાં મૃત વંદા અને જીવાંતો મળી આવતા એક વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી. આ મામલે ગુણવત્તાયુક્ત ભોજન આપવાની માગ સાથે 100થી વધુ વિદ્યાર્થિનીઓ સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર ધરણા પર બેસી ગઈ હતી. ‘વોર્ડન તુમ એક કામ કરો ખુરશી છોડી આરામ કરો’ ના નારા સાથે ABVP અને વિદ્યાર્થિનીઓ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો.
આ અંગે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 800 વિદ્યાર્થિનીઓ રહે છે. હોસ્ટેલના મેનેજમેન્ટ દ્વારા ‘પ્રમુખ ભોજન’ નામની એજન્સીને ભોજન માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ સરકારી હોસ્ટેલ છતાં પણ વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં ગુણવત્તા જણાવવામાં આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ભોજનમાંથી જીવાત નીકળી રહી છે. જ્યારે જ્યારે વિદ્યાર્થીનીઓ વોર્ડનને ફરિયાદ કરે ત્યારે માત્ર એજન્સીને નોટિસ ફટકારી સંતોષ માની લેવામાં આવે છે. અત્યાર સુધી એજન્સીને જીવાત નીકળવાની અને ગુણવત્તાયુક્ત જમવાનું ન આપતા હોવાની ફરિયાદ મળતા 4 નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ એજન્સી સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં ન આવતા એજન્સી દ્વારા ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવતું નથી.


