1. Home
  2. ગુજરાતી
  3. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

0
Social Share

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભારતીય જનતા પાર્ટી એ આ અંગે જોરદાર પલટવાર કર્યો છે.

રાયબરેલીની સભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “વીરા પાસી જી અને બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં દરેક નાગરિક સમાન છે અને તમામને સરખા અધિકારો મળવા જોઈએ. આ દેશ કોઈ એક જ્ઞાતિ કે સંગઠનનો નથી, પરંતુ દરેક નાગરિકનો છે. બંધારણ પણ આ જ વાત કહે છે અને તેમાં દેશની જનતાનો અવાજ છે. બંધારણની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે, પરંતુ ભાજપે દેશને વેચવાનું કામ કર્યું છે.”

રાહુલ ગાંધીએ કાર્યકરો અને જનતાને સંબોધતા વધુમાં ઉમેર્યું કે, “જ્યારે પણ ભાજપ અને આરએસએસના લોકો તમારી સામે આવે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની વાતો કરે, ત્યારે તેમને ખુલ્લેઆમ કહો કે ‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગદ્દાર છે, ભાજપ-આરએસએસ ગદ્દાર છે’, કારણ કે તમે લોકોએ ભેગા મળીને દેશને વેચવાનું કામ કર્યું છે. ભાજપ અને આરએસએસ દ્વારા દેશના બંધારણ પર, વીરા પાસી જી, ગાંધીજી અને આંબેડકર જીના વિચારો પર હુમલો કરવામાં આવ્યો છે.”

મોંઘવારી અને આર્થિક સ્થિતિ અંગે આક્ષેપ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, વડાપ્રધાન જનતાને સોનું ન ખરીદવા, વિદેશ ન જવા અને ઈલેક્ટ્રિક ગાડીઓમાં ફરવાની સલાહ આપે છે. પરંતુ આ બધું કહ્યા બાદ તરત જ નરેન્દ્ર મોદી પોતે હજારો કરોડના વિમાનમાં બેસીને વિદેશ જતા રહે છે અને જનતા માત્ર જોતી રહે છે. તેમણે દાવો કર્યો કે દેશમાં ટૂંક સમયમાં મોટો આર્થિક વંટોળ આવવાનો છે, જેના કારણે ભીષણ મોંઘવારી વધશે, દરેક વસ્તુના ભાવ આસમાને આંબશે અને ખાતરની ભારે અછત સર્જાશે.

ભાજપાએ રાહુલ ગાંધીની નક્સલવાદી સાથે કરી સરખામણી

રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ આકરો વળતો પ્રહાર કર્યો છે. ભાજપે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ માત્ર વડાપ્રધાન કે ગૃહમંત્રીનું જ નહીં, પરંતુ દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન કરીને તેમને ‘ગદ્દાર’ કહ્યા છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીની માનસિકતા નક્સલવાદીઓ જેવી થઈ ગઈ છે અને તેમની વિચારસરણી ‘અર્બન નક્સલ’ જેવી છે. રાહુલ ગાંધી દેશને તોડવા માંગતા તત્વો અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. દેશની જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આવા શબ્દોનો પ્રયોગ તેમની નકારાત્મક રાજનીતિ દર્શાવે છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનથી લઈને બંગાળ-બિહાર સુધી ટ્રેનમાં આગ લાગવા પાછળ કોણો હાથ? રેલવેનો ખુલાસો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code