HomeAgency Newsપત્રકાર વિવાદ બાદ નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે શું કહ્યું?

પત્રકાર વિવાદ બાદ નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે શું કહ્યું?

રિવોઈ ન્યૂઝ, 20 મે, 2026 –  નોર્વેમાં ગઈકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકાર હેલે લી સ્વેન્ડસન  (Helle Lyng Svendsen) વિવાદ ઊભો કરી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી સીબી જ્યોર્જે પત્રકાર પરિષદમાં એ મહિલાને વિસ્તૃત જવાબ આપ્યો હતો.

જોકે ત્યારબાદ એ મહિલા પત્રકારે તેમના X હેન્ડલ ઉપર ભારતની લોકશાહી વિશે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. તેના જવાબમાં હવે નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે જે કહ્યું તે જાણવા-સમજવા જેવું છે.

  • અહીં નીચે નોર્વેના આ કર્મશીલ એરિક સોલહેમની X પોસ્ટનો ભાવાનુવાદ છે. સાથે મૂળ પોસ્ટ પણ એમ્બેડ કરી છે.

ભારતીય લોકશાહીના બચાવમાં!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વેની અત્યંત સફળ મુલાકાત દરમિયાન એક નાની ઘટના ઘટી હતી. એક નોર્વેજીયન પત્રકારે માંગ કરી હતી કે વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ યોજવાનું શરૂ કરે. તેણીએ એવો દાવો પણ કર્યો હતો કે ભારતીય લોકશાહીની સ્થિતિ ખરાબ છે.

કદાચ આ સમયે થોભીને વિચારવાની જરૂર છે? કદાચ વિશ્વની સૌથી મોટી લોકશાહી વિશે થોડી ઉત્સુકતા દાખવવાનો આ સમય છે?

બે અઠવાડિયા પહેલા ભારતના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાઈ હતી. રાજકીય દ્રષ્ટિએ મુખ્ય ગણાતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં મતદાનની ટકાવારી 94% રહી હતી. નોર્વેમાં યોજાયેલી છેલ્લી સ્થાનિક ચૂંટણીમાં આ આંકડો 62% હતો, જ્યારે યુરોપની ઘણી સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન 50% કરતા પણ ઓછું થાય છે. શું આટલી વિશાળ સંખ્યામાં મતદાન થવું એ એવો સંકેત નથી કે ભારતીયોને તેમની લોકશાહી પ્રક્રિયા પર પૂરો ભરોસો છે?

આ જ ચૂંટણીમાં ભાજપે આસામ અને પશ્ચિમ બંગાળમાં મોટી જીત મેળવી, તો બીજી તરફ કેરળ અને તમિલનાડુમાં તેને તેનાથી પણ મોટો પરાજય વેઠવો પડ્યો. શું આ વિવિધતા એ વાતનો સંકેત નથી કે ભારતીય લોકશાહી પ્રજાની ઈચ્છા (જનાદેશ) ને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરે છે?

આ પણ વાંચોઃ પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાનને વિશિષ્ટ ગિફ્ટ આપી, જુઓ Video

મહિલા પત્રકારે લોકશાહીના એક રેન્કિંગ (રેટિંગ) નો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ભારતને વિશ્વમાં 157માં સ્થાને મૂકવામાં આવ્યું છે, જે ઘણા સરમુખત્યારશાહી શાસનો અને અત્યંત અશાંત દેશો કરતાં પણ પાછળ છે. જ્યારે કોઈ રેન્કિંગ સામાન્ય બુદ્ધિથી એટલું સ્પષ્ટપણે વિપરીત દેખાતું હોય, ત્યારે નેતાઓ આવા બકવાસ પર ટિપ્પણી કરે તેવી માંગ કરવાને બદલે, આ રેન્કિંગ બનાવનારાઓને જ તીખા સવાલો કેમ ન પૂછવા જોઈએ? હું સાલ્વાટોર બેબોન્સ (Salvatore Babones) નું પુસ્તક “ધર્મ ડેમોક્રેસી” (Dharma democracy) વાંચવાની ભલામણ કરું છું. આ પુસ્તક આવા રેન્કિંગની ખામીયુક્ત પદ્ધતિઓનો અત્યંત સચોટ રીતે પર્દાફાશ કરે છે.

ત્યાં એક એવા રેન્કિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરાયો છે કે ભારતમાં પત્રકાર હોવું ખૂબ જ જોખમી છે. વાસ્તવિકતા એ છે કે અમેરિકા (US) માં પત્રકાર હોવું વધુ જોખમી છે અને વિશ્વના અન્ય મોટાભાગના દેશોમાં તો તે તેનાથી પણ ઘણું વધારે જોખમી છે.

ચાલો આપણે વાસ્તવિકતા સ્વીકારીએ. ભારત સંપૂર્ણ નથી. સ્વાભાવિક છે કે અહીં પણ કેટલીક ઘટનાઓ બને છે. ભારતની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને સમગ્ર યુરોપની સંયુક્ત વસ્તી જેટલી છે. તેમ છતાં, ભારત યુરોપ કે અમેરિકા કરતાં ઘણું વધુ શાંતિપૂર્ણ છે. ભારતની વંશીય, ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તેમજ વિકાસના અસંખ્ય પડકારોને જોતાં આ ખરેખર અદ્ભુત બાબત છે.

જો આપણે લોકશાહીને સરકારનું એક એવું સ્વરૂપ ન માનતા હોઈએ જે માત્ર કેટલાક ખૂબ જ નાના, શાંતિપૂર્ણ અને સમાનતા ધરાવતા પશ્ચિમ યુરોપના દેશોને જ અનુકૂળ આવે છે, તો કદાચ આપણે ભારતીય લોકશાહીની પ્રશંસા કરવી જોઈએ?

ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતો (colony) માં ભારત એકમાત્ર એવો મોટો દેશ છે જે આઝાદી પછી લોકશાહી બન્યો અને આજ સુધી લોકશાહી જ રહ્યો છે. કેટલીકવાર એવો દાવો કરવામાં આવે છે કે બ્રિટિશરોએ ભારતને લોકશાહી શીખવી હતી. જો એવું જ હોત, તો મ્યાનમાર, પાકિસ્તાન કે અખાતના દેશો (Gulf kingdoms) કેમ લોકશાહી દેશો ન બન્યા? વાસ્તવિકતા એ છે કે ભારતીય લોકશાહી દેશી (સ્વદેશી) છે અને તે અસાધારણ રીતે સફળ રહી છે.

એરિક સોલહેમની X પોસ્ટઃ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular