પાકિસ્તાન સળગ્યું: PoKમાં ફરજ બજાવવાનો પોલીસનો ઇનકાર, કાર્યવાહી કરાશે
ઇસ્લામાબાદ, 9 જૂન 2026: પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસા અને અરાજકતા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રવર્તી રહેલા ભયના માહોલને કારણે પાકિસ્તાન પોલીસના જવાનોએ ત્યાં ફરજ બજાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાન સરકારના સત્તાવાર દસ્તાવેજો પરથી આ બાબત સામે આવી છે કે બદલીના આદેશો છતાં પોલીસકર્મીઓ ત્યાં હાજર થઈ રહ્યા નથી. આ બળવાખોર વલણ સામે પાકિસ્તાન સરકારે હવે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પ્રસિદ્ધ અખબાર ‘ડૉન’ના અહેવાલ મુજબ, સોમવારે પીઓકેમાં ડ્યુટી પર જવાનો ઈન્કાર કરનાર એક પોલીસકર્મીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ હવે આવા તમામ બળવાખોર કર્મચારીઓની વિસ્તૃત યાદી તૈયાર કરી રહ્યો છે. આગામી સમયમાં નવો કાયદો લાવીને આવા આદેશ અનાદર કરનારા તમામ પોલીસકર્મીઓને એકસાથે નોકરીમાંથી હાંકી કાઢવાની મોટી તૈયારી ચાલી રહી છે.
પોલીસ જવાનો દ્વારા ડ્યુટી જોઈન ન કરવા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો સામે આવ્યા છે. પીઓકેમાં હાલમાં હિંસાની આગમાં સળગી રહ્યું છે અને જનતા રસ્તા પર ઉતરી આવી છે. સોમવારે જ થયેલી હિંસક અથડામણમાં 4 પોલીસકર્મીઓ સહિત 7 નાગરિકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ છે. છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પીઓકેમાં આટલો મોટો હોબાળો થયો હોય, જેના કારણે ત્યાં તૈનાત થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે.
પાકિસ્તાનના અન્ય પ્રાંતોની સરખામણીએ પીઓકે અને ગિલગિટમાં પોલીસકર્મીઓને અત્યંત ઓછો પગાર અને ભથ્થાં આપવામાં આવે છે. આ આર્થિક શોષણ સામે 11 હજાર જેટલા પોલીસકર્મીઓએ રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું હતું. તેમનો આક્ષેપ છે કે વર્ષ 2022નું નવું પે-સ્કેલ મંજૂર થયા છતાં તેમને હજુ પણ 2012ના જૂના મોડલ પ્રમાણે જ વેતન ચૂકવાય છે. ‘કાશ્મીર ઈમેજ’ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સામાન્ય કોન્સ્ટેબલનો માસિક પગાર આશરે 73 હજાર પાકિસ્તાની રૂપિયા છે, જ્યારે સિંધમાં 69 હજાર રૂપિયા છે. તેની સરખામણીએ પીઓકેમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને દર મહિને માત્ર 15899 પાકિસ્તાની રૂપિયા જ આપવામાં આવે છે. આ જબરદસ્ત આર્થિક વિસંગતતા પણ ફરજથી દૂર ભાગવાનું મોટું કારણ છે.
-
શા માટે ઉકળી રહ્યું છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર?
વર્ષ 1947-48 દરમિયાન કાશ્મીરના જે ભાગ પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કર્યો હતો, તેને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે. આશરે 13300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારને પાકિસ્તાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી રાખ્યો છે અને હાલ ત્યાં પીપલ્સ પાર્ટીની સરકાર શાસન કરી રહી છે. પાકિસ્તાન સરકાર પીઓકેમાં આગામી સમયમાં ચૂંટણી કરાવવાની ઉતાવળમાં છે, પરંતુ તે પહેલા જ સ્થાનિક જનતાએ મોરચો ખોલી દીધો છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે પીઓકે વિધાનસભામાં શરણાર્થી કાશ્મીરીઓ માટે આરક્ષિત રાખવામાં આવેલી 12 બેઠકો તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. આ અનામતના વિરોધમાં આખું પીઓકે હાલ હિંસક પ્રદર્શનોની ચપેટમાં છે અને સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.


