કોપેનહેગન, 26 જૂન 2026: યુરોપિયન દેશ ડેનમાર્કમાં લાઉડસ્પીકર પર અઝાન આપવા પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાની યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે. ડેનમાર્કના ઇમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવ દ્વારા આ વિવાદિત યોજનાને ફરી આગળ ધપાવવાની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ દાવો કર્યો છે કે ડેનમાર્કમાં વધી રહેલું ઇસ્લામીકરણ સાર્વજનિક જીવનમાં જરૂર કરતાં વધુ જગ્યા લઈ રહ્યું છે, જે ચિંતાજનક છે.
પોતાના કડક વલણ માટે જાણીતા ઇમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ડેનમાર્કની છતો પર અઝાનનો અવાજ સંભળાવો ન જોઈએ. દેશના કેટલાક વિસ્તારોનો માહોલ એવો ન હોવો જોઈએ કે જેથી લોકોને એવો અહેસાસ થાય કે તેઓ ડેનમાર્કમાં નહીં પરંતુ ઇસ્લામાબાદના કોઈ શહેરમાં આવી ગયા છે.” એક અહેવાલ મુજબ, ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાયનો હિસ્સો આશરે 5 ટકા જેટલો છે અને તેઓ દેશમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે.
આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સનના નેતૃત્વમાં ડેનમાર્ક સરકાર સમગ્ર યુરોપમાં સૌથી કડક ઇમિગ્રેશન નીતિઓ લાગુ કરી રહી છે. ચાલુ વર્ષે જ ડેનમાર્ક સરકારે સાર્વજનિક સ્થળો પર ઇસ્લામિક ફૂલ-ફેસ નકાબ (બુરખા) પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. આ ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાઓને પોતાની જગ્યાઓ પરથી પ્રેયર રૂમ (પ્રાર્થના ખંડ) હટાવી દેવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, ડેનમાર્કની સંસ્કૃતિમાં અઝાન જેવી વ્યવસ્થા માટે કોઈ સ્થાન નથી.
ડેનમાર્કમાં સાર્વજનિક સ્થળોએ અઝાન પર પ્રતિબંધ લગાવવાનો આ પ્રથમ પ્રયાસ નથી. આ પૂર્વે વર્ષ 2020 અને વર્ષ 2025 માં પણ સાર્વજનિક સ્થળો પર અઝાન રોકવા માટેના પ્રસ્તાવો લાવવામાં આવ્યા હતા. જો કે, રાજકીય અને કાનૂની અડચણોને કારણે બંને વખતે આ પ્રસ્તાવ સંસદ સુધી પહોંચી શક્યા ન હતા.
રાજધાની કોપેનહેગનમાં પહેલેથી જ છે નિયંત્રણો
ડેનમાર્કના કેટલાક ભાગોમાં અઝાન પર પરોક્ષ પ્રતિબંધ પહેલેથી જ અમલી છે. રાજધાની કોપેનહેગનમાં ધ્વનિ પ્રદૂષણ (ઘોંઘાટ) અંગેના નિયમો ખૂબ જ કડક છે, જેના કારણે મસ્જિદોને લાઉડસ્પીકરથી અઝાન પ્રસારિત કરવાની મંજૂરી નથી. કોપેનહેગનની પ્રખ્યાત ગ્રાન્ડ મસ્જિદમાં પણ બહાર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.
સમગ્ર દેશમાં કોઈ ચોક્કસ ધાર્મિક પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના સરકારના આ નિર્ણયને મોટી કાનૂની પડકાર મળી શકે છે. ડેનમાર્કનું બંધારણ દરેક નાગરિકને સાર્વજનિક રૂપે ધાર્મિક ઉપાસના અને સ્વતંત્રતાના અધિકારની ગેરંટી આપે છે. આથી, અઝાન પરનો દેશવ્યાપી પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે તેવી ચર્ચા શરૂ થઈ છે.
આ અંગે ઇમિગ્રેશન મંત્રીએ સ્વીકાર્યું છે કે, સરકાર સૌપ્રથમ એ તપાસ કરશે કે શું અઝાન પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવો બંધારણ અને ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈઓ હેઠળ શક્ય છે કે નહીં. બીજી તરફ, વિપક્ષ અને માનવાધિકાર સંગઠનો દ્વારા આ પ્રસ્તાવની ભારે ટીકા શરૂ થઈ ગઈ છે. આલોચકોનું કહેવું છે કે આ પગલું માત્ર એક જ ધર્મને નિશાન બનાવવા માટે લેવામાં આવી રહ્યું છે.

