Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરના પૂંચમાં LoC પાસેથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં LoC પાસેથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

શ્રીનગર, 29 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી થતી શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંચ જિલ્લાના બાલાકોટ વિસ્તારમાં લાઇન ઓફ કંટ્રોલ નજીકથી એક પાકિસ્તાની નાગરિકને જીવતો પકડી પાડ્યો છે. પકડાયેલા ઘૂસણખોરની ઓળખ ૩૧ વર્ષીય રઈસ ખાન તરીકે થઈ છે, જે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના હવેલી જિલ્લાનો રહેવાસી છે અને મોહમ્મદ યાકુબ ખાનનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. બાલાકોટ સેક્ટરમાં ભારતીય સરહદમાં પ્રવેશતાની સાથે જ સજાગ સૈનિકોએ તેને દબોચી લીધો હતો. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી નથી. હાલમાં ભારતની વિવિધ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે ભૂલથી ભારતીય સરહદમાં આવી ગયો હતો કે પછી કોઈ મોટા ષડયંત્ર કે જાસૂસીના ઈરાદા સાથે જાણીજોઈને સરહદ પાર કરી હતી.

પૂંચ સેક્ટરમાં ભારત-પાક સરહદે એક જ સપ્તાહમાં આ પ્રકારનો આ બીજો મામલો સામે આવ્યો છે. આ પહેલા ગત શુક્રવારે પણ PoK માંથી સરહદ પાર કરીને આવેલા એક ઘૂસણખોરને પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરના ગુલપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ૨૬ વર્ષના આ યુવકનું નામ મોહમ્મદ સજ્જાદ હતું. લાઇન ઓફ કંટ્રોલ પાર કરતા જ સૈનિકોએ તેને અટકાવ્યો હતો અને બાદમાં કાનૂની કાર્યવાહી તથા આગળની તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. આ અગાઉ ગત 9 જૂનના રોજ પણ 14 વર્ષના એક પાકિસ્તાની કિશોર જાવેદ અલીને કસ્ટડીમાં લેવાયો હતો, જેને માનવતાના ધોરણે એક અઠવાડિયાની તપાસ બાદ પાકિસ્તાન પરત મોકલી દેવાયો હતો. પૂંચ સેક્ટરમાં LoC નજીક આવેલા બાલાકોટ અને ગુલપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં PoK માંથી સતત નાગરિકો પકડાવાની ઘટનાઓએ ભારતીય સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે.

 

સંબંધિત લેખો

Most Popular