લખનૌ, 29 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાન (ચંદા) માં કથિત ગેરરીતિના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસની ગેરહાજરીમાં વેકેશન બેન્ચે અરજીકર્તાને વેધક સવાલ કર્યો હતો કે, “આખરે આ મામલામાં આટલી બધી ઉતાવળ કેમ છે?” અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ જ આ મામલાને નિયમિત સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ રામ મંદિર ટ્રસ્ટ, દાનના ઉપયોગ અને તપાસની માંગને લઈને ચાલી રહેલી ચર્ચા ફરી એકવાર દેશભરમાં ગરમાઈ છે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગુની પીઠ સમક્ષ અરજીકર્તાએ રામ મંદિરમાં મળેલા ચંદાની કથિત ઉચાપતની તપાસ માટે સીબીઆઈના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની માંગ કરી હતી. અરજીકર્તાના વકીલે દલીલ કરી હતી કે આ આરોપો ખૂબ જ ગંભીર છે અને રાજ્ય સરકાર જે રીતે આ મામલાને હેન્ડલ કરી રહી છે તેનાથી શંકાઓ પેદા થઈ રહી છે. જોકે, જસ્ટિસ સુંદરેશે આ મામલે તાત્કાલિક સુનાવણીનો આગ્રહ ફગાવી દેતા કહ્યું કે કોર્ટ પુનઃ ખુલ્યા બાદ જ આની સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં આરોપ
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અયોધ્યા સ્થિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ ની કામગીરી અને મંદિરને મળેલા કરોડો રૂપિયાના દાનના ઉપયોગમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી છે. અરજીકર્તાઓની માંગ છે કે દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને દાનદાતાઓના વિશ્વાસને જાળવી રાખવા માટે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ, સમયબદ્ધ અને પ્રોફેશનલ તપાસ થવી જરૂરી છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપો અંગે હજુ સુધી કોઈ ન્યાયિક તારણ કે પુરાવા સામે આવ્યા નથી.
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લોકહિતની રક્ષા માટે મોનિટરિંગ, ઓડિટ અને સુપરવિઝનની એક મજબૂત અને પારદર્શી વ્યવસ્થા લાગુ કરવાનો આદેશ આપે. અરજીમાં ભાર પૂર્વક કહેવાયું છે કે જો આ આરોપો સાચા સાબિત થશે, તો આ માત્ર આર્થિક હેરાફેરીનો મામલો નહીં રહે, પરંતુ ભગવાન રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા કરોડો ભક્તોની ભાવનાઓ સાથે મોટો ખિલવાડ ગણાશે.
SIT ની તપાસ સામે પણ ઉઠ્યા સવાલો
આ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગત 13 જૂનના રોજ મંદિર ટ્રસ્ટની વિનંતી પર એક વિશેષ તપાસ ટીમની રચના કરી દીધી છે. આ હાઈ-પ્રોફાઈલ એસઆઈટીમાં લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ આઈજી કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે, જેઓ હાલ કથિત આર્થિક ગેરરીતિઓની તપાસ કરી રહ્યા છે. જોકે, અરજીકર્તાઓનો આક્ષેપ છે કે આ એસઆઈટીએ હજુ સુધી કોઈ સત્તાવાર એફઆઈઆર નોંધ્યા વિના જ તપાસ શરૂ કરી દીધી છે, જેના કારણે આ સરકારી તપાસની નિષ્પક્ષતા સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે. હવે આ મામલે કોર્ટ ખૂલ્યા પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.

