ઢાકા, 29 જૂન 2026: દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરના રણનીતિક સમીકરણોમાં ભારત માટે એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. પડોશી દેશ બાંગ્લાદેશની નવી સરકારે ભારતના હિતોને મોટો ફટકો મારીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘મોંગલા બંદર’ને વિકસાવવાનો પ્રોજેક્ટ ભારત પાસેથી છીનવીને ચીનને સોંપી દીધો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનના તાજેતરના ચીન પ્રવાસ દરમિયાન બીજિંગ ખાતે આ અંગેના સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારતના પડોશી દેશોમાં પ્રભુત્વ જમાવવાની ચીનની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિને મોટું બળ પૂરું પાડશે.
નવા કરાર મુજબ, ચીનની સરકારી કંપની મોંગલા બંદરનું આધુનિકીકરણ અને વિકાસ કરશે. આ ઉપરાંત, ચીન બાગેરહાટમાં આ પોર્ટની નજીક આશરે 110 એકર જમીન પર એક આર્થિક ઝોન પણ તૈયાર કરશે, જ્યાં ચીની ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ ફેક્ટરીઓ સ્થાપશે. મોંગલા પોર્ટને વિકસાવવાની જવાબદારી પહેલા ભારતને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં તત્કાલીન શેખ હસીના સરકાર અને ભારત વચ્ચે આ અંગે કરાર થયા હતા. ત્યારબાદ વર્ષ 2018માં ભારત સરકારે આ પોર્ટના વિકાસનું ટેન્ડર ભારતના જાણીતા ‘હીરાનંદી ગ્રુપ’ને આપ્યું હતું. જોકે, ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ બાદ સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. ઓક્ટોબર ૨૦૨૪માં તત્કાલીન મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે આશ્ચર્યજનક રીતે ભારત સાથેનો આ કરાર રદ કરી દીધો હતો, અને હવે વર્તમાન સરકારે આ આખો પ્રોજેક્ટ સત્તાવાર રીતે ચીનને સોંપી દીધો છે.
મોંગલા બંદર એ બાંગ્લાદેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત બંદર છે. આ બંદર ભારતની દરિયાઈ સીમાથી માત્ર 130 કિલોમીટર અને જમીની સરહદથી માત્ર 80 કિલોમીટર દૂર આવેલું છે. ચીન જો આ પોર્ટ પર પોતાનું નૌસેના બેઝ કે જાસૂસી મથક બનાવે, તો તે ભારતીય સેનાની ગતિવિધિઓ અને મિસાઈલ ટેસ્ટિંગ પર આસાનીથી નજર રાખી શકશે. યુદ્ધની સ્થિતિમાં ચીનના વેપારી માર્ગોને રોકવા માટે ભારત પશ્ચિમ બંગાળ અને આંદામાન નજીક મલક્કાની સમુદ્રધુની પર નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ મોંગલા પોર્ટ પર બેસીને ચીન ભારતની આ રણનીતિક ક્ષમતાને નબળી પાડી શકે છે.
‘ચિકન નેક’ (સિલીગુડી કોરિડોર) માટે મોટો આંચકો
ભારતની યોજના મોંગલા પોર્ટના માધ્યમથી પશ્ચિમ બંગાળ થઈને ઉત્તર-પૂર્વના રાજ્યો (આસામ, ત્રિપુરા વગેરે) સાથે સીધો વેપાર વધારવાની હતી. આનાથી ભારતની પશ્ચિમ બંગાળના સિલીગુડી સ્થિત સંવેદનશીલ અને સાંકડા ભૂમિભાગ ‘ચિકન નેક કોરિડોર’ પરની નિર્ભરતા ઘટવાની હતી. ચિકન નેક કોરિડોર સૌથી સાંકડી જગ્યાએ માત્ર 21-22 કિલોમીટર જ પહોળો છે અને તેની ચારેય બાજુ નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને ચીનની સરહદો આવેલી છે. યુદ્ધની સ્થિતિમાં આ ૫ કરોડ લોકોની જીવાદોરી સમાન રસ્તા પર કંટ્રોલ રાખવો ભારત માટે પડકારજનક છે, અને હવે મોંગલા પોર્ટ ચીન હસ્તક જતાં પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા વ્યવસ્થા વધુ જોખમાશે.
ચીનની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિની વર્તમાન સ્થિતિ
રણનીતિક માહિતગારોના મતે, ચીન ભારતને ચારેય તરફથી દરિયાઈ બંદરો અને સૈન્ય મથકો દ્વારા ઘેરી રહ્યું છે.
મોંગલા પોર્ટ (બાંગ્લાદેશ): ભારતીય સરહદથી માત્ર 80 કિમી દૂર નવો અડ્ડો.
ગ્વાદર બંદર (પાકિસ્તાન): અરબી સમુદ્રમાં પશ્ચિમી સરહદ પર ઘેરાબંદી.
હમ્બનટોટા પોર્ટ (શ્રીલંકા): 99 વર્ષની લીઝ પર લઈ દક્ષિણ ભારતની સાવ નજીક જાસૂસીનો ભય.
જીબુતી સૈન્ય મથક (પૂર્વ આફ્રિકા): આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર ચીનનો લશ્કરી કંટ્રોલ.
કોકો ટાપુઓ (મ્યાનમાર): બંગાળની ખાડીમાં જાસૂસી રાડાડ ગોઠવવાની હિલચાલ.
અહેવાલો અનુસાર, ચીન તેના હાઈટેક રિસર્ચ જહાજો દ્વારા હિંદ મહાસાગરની ઊંડાઈ અને ભારતીય સબમરીનના રૂટ્સનું ગુપ્ત મેપિંગ કરી રહ્યું છે. આ રૂટ પરથી ભારતનો ૮૦% દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલ પસાર થાય છે, જેથી ભવિષ્યમાં ચીન ભારતની આર્થિક નાકેબંધી પણ કરી શકે છે, જે ભારત ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે પણ ચિંતાનો વિષય છે.

