કાબુલ, 29 જૂન 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ રવિવારે અફઘાનિસ્તાન સરહદ નજીકના વિસ્તારોમાં એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં હવાઈ હુમલા અને જમીની સૈન્ય કાર્યવાહી દરમિયાન ૩૦ લોકોના મોત થયા છે. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં તાજેતરમાં સુરક્ષા દળો પર થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાના જવાબમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ મિશન પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યું હતું.
માહિતી મંત્રીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના કેમ્પ પર મોટા આતંકી હુમલા થયા હતા. શનિવારે રાત્રે જ કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા સિંઘ રેન્જર્સના મુખ્ય મથક પર આતંકીઓએ ઘાતક હુમલો કર્યો હતો. સિંઘ પોલીસ વડા જાવેદ આલમ ઓઢોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન રેન્જર્સ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ સાથે અથડાવી દીધું હતું, જે બાદ બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.
આ ભીષણ અથડામણમાં પાકિસ્તાનના ત્રણ અર્ધસૈનિક દળોના જવાન અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ તુરંત જ સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ, એન્ટી-ટેરરિસ્ટ ફોર્સ, રેન્જર્સ અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી ‘અલ જઝીરા’ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી ‘જમાત-ઉલ-અહરાર’ નામના આતંકી સંગઠને લીધી છે, જે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલીબાન પાકિસ્તાનનો જ એક ફાંટો છે.
પાક-અફઘાન સરહદ પર લોહિયાળ સંઘર્ષનું કારણ શું?
વર્ષ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં અફઘાન તાલીબાન સત્તા પર પરત ફર્યા બાદથી પાકિસ્તાનમાં પોલીસ અને સૈન્ય ચોકીઓ પર હુમલાઓ ખૂબ વધી ગયા છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે આ હુમલાઓ પાછળ TTP અને તેના સહયોગી સંગઠનોનો હાથ છે. જોકે TTP એ અફઘાન તાલીબાનથી અલગ સંગઠન છે, પરંતુ બંને વૈચારિક રીતે એકબીજાના સાથી છે. પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યું છે કે અફઘાનિસ્તાનની તાલીબાન સરકાર TTP ના આતંકીઓને પોતાની ધરતી પર આશ્રય આપી રહી છે, જેનો કાબુલ સરકાર હંમેશા ઇનકાર કરતી આવી છે.
અફઘાનિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે ગત 10 જૂનના રોજ પણ પાકિસ્તાને ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં 11 બાળકો અને એક મહિલા સહિત 13 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જોકે, પાકિસ્તાને નાગરિકો પર હુમલાના આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે તેમણે માત્ર આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં ૨૬ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી બંને દેશો વચ્ચે સરહદી સંઘર્ષ તીવ્ર બન્યો છે જેમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ વાર્તાના અનેક રાઉન્ડ યોજાયા હોવા છતાં બંને પડોશી દેશો વચ્ચે સ્થાયી યુદ્ધવિરામ થઈ શક્યો નથી.

