Homeગુજરાતીદેશ-વિદેશપશ્ચિમ એશિયામાં મોટો ભૌગોલિક-રાજકીય ફેરફાર: સાઉદી અરેબિયાની સુરક્ષા માટે પાકિસ્તાન સૈન્ય મદદ...

પશ્ચિમ એશિયામાં મોટો ભૌગોલિક-રાજકીય ફેરફાર: સાઉદી અરેબિયાની સુરક્ષા માટે પાકિસ્તાન સૈન્ય મદદ કરશે

રિયાધ, 30 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ અને બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો વચ્ચે પાકિસ્તાને એક મોટો નિર્ણય લીધો છે. નવા સંરક્ષણ કરાર એટલે કે ‘મક્કા કરાર’હેઠળ પાકિસ્તાને સાઉદી અરેબિયાને તમામ શક્ય સૈન્ય મદદ પૂરી પાડવાની ખુલ્લી જાહેરાત કરી છે. આ ત્રિપક્ષીય કરાર સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા કે શું પાકિસ્તાન હવે ઈરાન સામે સીધા યુદ્ધમાં ઉતરશે? જોકે, પાકિસ્તાનના અધિકૃત નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તે આ મામલે ઈરાન સાથે સીધી દુશ્મનાવટ વહોરવા માગતું નથી અને અત્યંત સંતુલિત વલણ અપનાવી રહ્યું છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે હાલમાં જ તેમના રોમ પ્રવાસ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જો સાઉદી અરેબિયા પર કોઈ બાહ્ય આક્રમણ કે હુમલો થશે, તો તેની રક્ષા માટે પાકિસ્તાન પોતાના તમામ સૈન્ય સંસાધનો ઝોંકી દેશે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયા પર સતત કરવામાં આવી રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો ઉલ્લેખ કરતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “સાઉદી અરેબિયાનો કોઈ પણ દુશ્મન, એ પાકિસ્તાનનો દુશ્મન છે.”

જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાની સેના યમનમાં ઈરાન સમર્થિત ઠેકાણાઓ પર કોઈ હવાઈ કવાયત કે સૈન્ય અભિયાનમાં સીધી રીતે સામેલ છે, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું કે કરાર હેઠળ પાકિસ્તાન પોતાની રક્ષણાત્મક ક્ષમતાઓ પૂરી પાડવા માટે બંધાયેલું છે. એટલે કે યમન કે પ્રાદેશિક સંઘર્ષોમાં પાકિસ્તાની સેનાની સીધી ભાગીદારી અંગે સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ રાખવામાં આવી છે.

  • શું છે ‘મક્કા કરાર’?

ત્રિપક્ષીય સુરક્ષા પેક્ટ: આ સમગ્ર ઘટનાક્રમ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ૭ ઓગસ્ટે મક્કા ખાતે થયેલા ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ના સંદર્ભમાં સામે આવ્યો છે.
સામૂહિક સુરક્ષાનો સિદ્ધાંત: આ કરાર હેઠળ ત્રણેય દેશોમાંથી કોઈ એક પર થયેલો હુમલો, ત્રણેય દેશો પરનો સંયુક્ત હુમલો માનવામાં આવશે. જોકે, ત્રણેય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધન માત્ર ‘રક્ષણાત્મક’ છે.
સચિવાલયની રચના: આ નવી સંરક્ષણ વ્યવસ્થાને જમીની સ્તરે ઉતારવા અને વ્યૂહાત્મક સુમેળ સાધવા માટે સાઉદી અરેબિયામાં એક વિશેષ સચિવાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે.

  • હુથી વિદ્રોહીઓનો કબ્જો અને દરિયાઈ વેપાર પર જોખમ

ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે હુથી વિદ્રોહીઓએ યમનના લાલ સમુદ્ર કિનારે આવેલા વ્યૂહાત્મક બંદર શહેર ‘મોખા’ અને કેટલાંક મહત્વના ટાપુઓ પર કબ્જો જમાવી લીધો છે. જેના કારણે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’પર ગંભીર સંકટ ઊભું થયું છે. હુથીઓ દ્વારા સાઉદી તેલ મથકો અને ટેન્કરો પર સતત થઈ રહેલા હુમલા બાદ આ સૈન્ય ગઠબંધનને સક્રિય કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

  • ઈરાન સાથે પણ સંબંધો જાળવી રાખવાની પાકિસ્તાનની મજબૂરી

પાકિસ્તાન સીધી રીતે ઈરાન પર હુમલો કરવાથી અત્યંત સાવધાનીપૂર્વક બચી રહ્યું છે. કરાર મુખ્યત્વે રક્ષણાત્મક છે અને તેનું ધ્યાન હુથી વિદ્રોહીઓના ડ્રોન તેમજ મિસાઈલ હુમલાઓ સામે સાઉદી અરેબિયાને સુરક્ષા આપવા સુધી જ મર્યાદિત છે. આ ઉપરાંત, પાકિસ્તાન અને ઈરાન પાડોશી દેશો હોવાથી પાકિસ્તાન એક તરફ સાઉદી અરેબિયાને સુરક્ષાની ખાતરી આપી રહ્યું છે તો બીજી તરફ તેહરાન સાથે પણ વાતચીતના દરવાજા ખુલ્લા રાખીને મધ્યસ્થની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તે પશ્ચિમ એશિયાના યુદ્ધમાં સીધી રીતે હોમાઈ જવાથી બચી શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular