કરાચી, 30 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ‘ચીફ મિનિસ્ટર્સ ગોલ્ડ કપ’ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કરાચીથી ક્વેટા જઈ રહેલી ફૂટબોલ ટીમને બલૂચિસ્તાન હાઈવે પર સશસ્ત્ર બદમાશોએ બંદૂકની અણીએ લૂંટી લીધી.
પીટીઆઈના અહેવાલ મુજબ, કરાચી ડિસ્ટ્રિક્ટ વેસ્ટની ફૂટબોલ ટીમ બસ દ્વારા ક્વેટા જઈ રહી હતી. જ્યારે બસ મસ્તુંગ અને સરિયાબ વચ્ચેના વિસ્તારમાં પહોંચી, ત્યારે 10થી 12 સશસ્ત્ર શખ્સોએ તેને અટકાવી અને બંદૂકની અણીએ લૂંટ ચલાવી.
ખેલાડીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો
આ ઘટના અંગે ટીમ મેનેજર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ જણાવ્યું હતું કે, બદમાશોએ તમામ મુસાફરોને બળજબરીથી બસમાંથી નીચે ઉતાર્યા અને તેમના મોબાઈલ ફોન, રોકડ તથા અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. વધુમાં, જેમણે પ્રતિકાર કર્યો તેવા કેટલાક મુસાફરો સાથે તેમણે ગેરવર્તન કર્યું અને તેમના પર હુમલો પણ કર્યો.
ક્વેટા આગમન પર રમતગમત મંત્રીએ સહાય પૂરી પાડી
લૂંટને કારણે નિરાધાર અને પાઈ-પાઈ વગરના થઈ ગયેલા ખેલાડીઓ જેમ-તેમ કરીને ક્વેટા પહોંચ્યા અને બલૂકિસ્તાનના રમતગમત મંત્રીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. અહેવાલો અનુસાર, રમતગમત મંત્રીએ તાત્કાલિક દરમિયાનગીરી કરી અને તેમના રહેઠાણ તેમજ ભોજન માટે દૈનિક ભથ્થાની વ્યવસ્થા કરી આપી.
ચેતવણી હોવા છતાં ટીમે રસ્તા માર્ગે મુસાફરી કરી
સિંધ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મુહમ્મદ આઝમે ખુલાસો કર્યો કે ટીમે સુરક્ષા ચેતવણીઓને અવગણી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે સિંધની ટીમને મોકલી ન હતી અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાચીની અન્ય તમામ ક્લબોને પણ બસ કે ટ્રેન દ્વારા ક્વેટાની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી.
આમ છતાં, કરાચી વેસ્ટની ટીમ મક્કમ રહી અને અમને જેની આશંકા હતી તે જ બન્યું. તેમણે એ પણ જણાવ્યું કે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના ફૂટબોલ સંગઠનોએ સુરક્ષાના કારણોસર આ ટુર્નામેન્ટમાં પોતાની ટીમો મોકલી ન હતી.
વધુ વાંચો: ભારતીય નૌસેનાની શક્તિમાં મોટો વધારો, એક વર્ષમાં 18 યુદ્ધજહાજ કાફલામાં જોડાશે


