હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના મંડાણ? બે કોમર્શિયલ જહાજો પર ઈરાનનો મિસાઈલ વડે હુમલો
દુબઈ, 7 જુલાઈ 2026: વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ભારે આંતરરાષ્ટ્રીય તણાવ સર્જાયો છે. અમેરિકી અધિકારીઓના સત્તાવાર નિવેદન મુજબ, સોમવારે રાત્રે ઈરાનની સેનાએ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા બે મોટા કોમર્શિયલ જહાજો પર આડેધડ મિસાઈલ મારો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ ક્ષેત્રમાં હુમલા રોકવા માટે થયેલો એક સપ્તાહનો અસ્થાયી કરાર હજુ હમણાં જ પૂરો થયો છે. અમેરિકી સત્તાધીશોનું માનવું છે કે આ હુમલાના કારણે બંને દેશો વચ્ચે આશરે ત્રણ અઠવાડિયા પહેલા થયેલા ૧૪ મુદ્દાના ઐતિહાસિક સમજૂતી કરાર પર પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને હવે અમેરિકા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર ગમે ત્યારે જવાબી હુમલો કરી શકે છે.
બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી ‘યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ’ એ પણ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, તેમને સોમવારે એક અહેવાલ મળ્યો હતો કે ઓમાનના તટ નજીક દક્ષિણ તરફ જઈ રહેલા એક મોટા ઓઈલ ટેંકર પર અજ્ઞાત મિસાઈલ અથવા પ્રોજેક્ટાઈલથી હુમલો કરાયો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાની મિસાઈલોએ અન્ય એક વ્યાપારી જહાજને પણ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં બંને જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે જહાજ પર સવાર કોઈ ક્રૂ મેમ્બરના મોતના કે ઘાયલ થવાના સમાચાર નથી.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ વિવાદને લઈને પરોક્ષ વાતચીત થઈ હતી, જે કોઈપણ મોટા પરિણામ વગર અનિર્ણાયક રહી હતી. આ દરમિયાન પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાની હુમલાનો ભોગ બનેલા જહાજોમાં કતારનું પ્રખ્યાત એલએનજી ટેંકર ‘અલ રેકય્યાત’ પણ સામેલ હોઈ શકે છે. આ જહાજ કતારની અગ્રણી એલએનજી શિપિંગ કંપની નાકિલાતનું હોવાનું કહેવાય છે.
-
હુમલા પહેલા ઈરાની સેનાનો ધમકીભર્યો ઓડિયો સામે આવ્યો
આ આંતરરાષ્ટ્રીય અહેવાલમાં એક રેડિયો ઓડિયો રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઓડિયોમાં કથિત રીતે ઈરાનની કુખ્યાત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ જહાજોને ધમકી આપતી સંભળાય છે કે તેમની મિસાઈલો અને ડ્રોન હુમલો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ રેડિયો સંદેશાની વિગતો મુજબ, ‘અલ રેકય્યાત’ જહાજના એન્જિન રૂમની બરાબર ઉપર ડાબી બાજુએ ઈરાનની મિસાઈલ અથડાઈ હતી, જેના કારણે ત્યાં ભારે ધુમાડો અને આગ ફેલાઈ ગઈ હતી. જો કે, જહાજના કેપ્ટન દ્વારા તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરાઈ છે.
ભૂગોળ અને વ્યાપારની દ્રષ્ટિએ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ છે, કારણ કે સમગ્ર વિશ્વના ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયનો એક બહુ મોટો હિસ્સો દરરોજ આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાનની આ હરકત બાદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે કાચા તેલની સપ્લાય ચેઈન ખોરવવાનો ભય પેદા થયો છે. આ તણાવ લાંબો ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઘેરૂ બનશે અને ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેનાથી ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર માઠી અસર થવાની આશંકા છે.


