1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન: રાષ્ટ્રપતિ પ્રબોવોએ એનાયત કર્યો બિન્તાંગ અદિપુર્ણા મેડલ
નરેન્દ્ર મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન: રાષ્ટ્રપતિ પ્રબોવોએ એનાયત કર્યો બિન્તાંગ અદિપુર્ણા મેડલ

નરેન્દ્ર મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન: રાષ્ટ્રપતિ પ્રબોવોએ એનાયત કર્યો બિન્તાંગ અદિપુર્ણા મેડલ

0
Social Share

જકાર્તા, 7 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ હાલ ઈન્ડોનેશિયામાં છે, જ્યાં તેમનું અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીના જોરદાર સ્વાગત બાદ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્ટોએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ઈન્ડોનેશિયા સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા નાગરિક સન્માન ‘બિન્તાંગ અદિપુર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઈન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર’થી નવાજ્યા છે. ઈન્ડોનેશિયા પ્રજાસત્તાક તરફથી આપવામાં આવતો ‘બિન્તાંગ અદિપુર્ણા’ મેડલ ઓફ ઓનર એ દેશનું સર્વોચ્ચ સન્માન છે, જે માત્ર એવા મહાનુભાવોને જ આપવામાં આવે છે જેમણે ઈન્ડોનેશિયાની એકતા, અખંડિતતા, નિરંતરતા અને સમૃદ્ધિ માટે અસાધારણ સેવાઓ આપી હોય.

ઈન્ડોનેશિયાના આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે સવારે તેમને અત્યંત પ્રેમ અને આદર સાથે ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે આ સન્માન માત્ર તેમનું નથી, પરંતુ ભારતના કરોડો નાગરિકોનું છે. આ એવોર્ડ ઈન્ડોનેશિયાના લોકોની સદ્ભાવના અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક તથા ગાઢ સંબંધોને દર્શાવે છે. આ અદ્ભુત સન્માન બદલ તેમણે રાષ્ટ્રપતિ પ્રબોવો, ઈન્ડોનેશિયાની સરકાર અને ત્યાંની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સેક્ટરમાં મોટો કરાર

બંને દેશો વચ્ચેના પ્રાચીન અને મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 21મી સદી એ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત સદી છે. ભારત અને ઈન્ડોનેશિયા બંને દેશો યુવા ઉર્જાથી સભર છે અને આપણા યુવાનોમાં ટેકનોલોજી પ્રત્યે કુદરતી આકર્ષણ છે. આ જ કારણ છે કે બંને દેશોના યુવાનો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલિકોમ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અદ્યતન ક્ષેત્રોમાં તકનીકી સહયોગ વધારવા માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ ક્ષેત્રે સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ સહમતિ સધાઈ છે અને ઈન્ડોનેશિયામાં ભારતીય વ્યવસ્થાપન સંસ્થાન ‘આઈઆઈએમ બેંગલુરુ’ નું નવું કેમ્પસ શરૂ કરવાની ઐતિહાસિક જાહેરાત પણ કરવામાં આવી છે.

આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્ટો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ માટે જકાર્તા પહોંચવા પર પીએમ મોદીનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભવન ‘ઇસ્તાના મર્દેકા’ ખાતે મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જકાર્તા સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાને રાષ્ટ્રપતિ સુબિઆન્ટો સાથે ખાસ મુલાકાત કરી હતી અને ત્યાંની પ્રતિષ્ઠિત ગેસ્ટ બુક પર પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા.

  • ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને હિંદ-પ્રશાંત વિઝનને મળશે નવી ગતિ

રાજદ્વારી નિષ્ણાતોના મતે પીએમ મોદીની આ મુલાકાત ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે સતત મજબૂત થઈ રહેલી મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પીએમ મોદીની આ વિદેશ યાત્રાનો મુખ્ય હેતુ ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને મહાસાગર વિઝનને મજબૂત કરવાનો છે, સાથે જ મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ કરવાનો છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્ટોએ ગયા વર્ષે જાન્યુઆરી 2025 માં ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી, અને તેના ટૂંકા ગાળામાં જ પીએમ મોદીની આ ઈન્ડોનેશિયા યાત્રા બંને દેશોના મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code