1. Home
  2. Bharat@2047
  3. કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?
કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

0
Social Share

હેમંત પરમાર

દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે પછી તેની પાછળ કોઈ બીજો ખેલ પણ ચાલે છે?

આ સવાલ નવો નથી. વર્ષોથી દેશની સરકારો, તપાસ એજન્સીઓ અને નાગરિક સમાજ આ મુદ્દે આમને સામને જોવા મળ્યા છે. આ જ કારણ છે કે ભારતમાં Foreign Contribution Regulation Act એટલે કે FCRA લાગુ કરવામાં આવ્યો.

સરળ ભાષામાં કહીએ તો FCRA એ એવો કાયદો છે જે વિદેશમાંથી આવતાં નાણાં પર નજર રાખે છે. સરકાર કહે છે કે દેશની અંદર કોઈપણ પ્રકારનો વિદેશી પ્રભાવ અનિયંત્રિત રીતે પ્રવેશ ન કરે. કારણ કે પૈસા માત્ર ચલણી નોટો નથી હોતા, ઘણી વખત તે સાથે વિચારધારા, હિતો અને પ્રભાવનો દોર પણ બંધાયેલો હોય છે.

વિચારવા જેવી વાત છે કે જો કોઈ વિદેશી સંસ્થા ભારતના કોઈ નાના ગામમાં શાળા બનાવવા માટે લાખો કે કરોડો રૂપિયાનું દાન આપે, તો એમાં ખોટું શું છે? કદાચ કશું જ નહીં.

પરંતુ જો એ જ નાણાંનો ઉપયોગ સમાજમાં વિભાજન ઊભું કરવા, રાજકીય દબાણ સર્જવા અથવા કોઈ ચોક્કસ એજન્ડાને આગળ ધપાવવા માટે થતો હોય તો?

અહીંથી FCRAની એન્ટ્રી થાય છે.

FC 2.0ની ચાબુક: વિદેશી ભંડોળ પર મેઘરાજની ત્રીજી આંખ

સેવાના નામે અને તે માટે વિદેશી ભંડોળ મેળવીને વાસ્તવમાં તેનો ઉપયોગ ધર્માંતર માટે થતો હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. રાષ્ટ્રહિતમાં આ જોખમી ટ્રેન્ડ રોકવા માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. અને એ જ કારણે એનડીએ સરકારે એફસીઆરએ નિયમોમાં સુધારા કરીને એક પોર્ટલ શરૂ કર્યું છે જેનો હેતુ સ્વૈચ્છિક સંગઠનોની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા FC 2.0 પોર્ટલ અને E-OCI સિસ્ટમનું લોન્ચિંગ એ માત્ર સરકારી કાગળિયાંની નવી ગોઠવણ નથી, પણ વિદેશી ફંડિંગના નામે ચાલતી કાળી કમાણી અને કથિત સમાજસેવા પર ગોઠવવામાં આવેલી અત્યાધુનિક “ત્રીજી આંખ” છે.

કેન્દ્ર સરકાર દ્વારા “વિદેશી યોગદાન (નિયમન) સુધારા નિયમો 2026” સૂચિત કર્યાના ગણતરીના દિવસોમાં જ આ નવું પોર્ટલ રાષ્ટ્રીય સરકારી ક્લાઉડ એટલે કે મેઘરાજ (MIG) પર હોસ્ટ કરવામાં આવ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ પોર્ટલ ઓનલાઈન થતાં જ કેટલાક કથિત બુદ્ધિજીવીઓ અને વિપક્ષોના પેટમાં તેલ રેડાયું છે. સવાલ એ થાય કે, જો દાનનો હેતુ પવિત્ર અને હિસાબ કાચ જેવો ચોખ્ખો હોય, તો પછી સરકારના આવા પ્રયાસોથી અમુક લોકોને કમકમાટી શા માટે આવી જાય છે?

FC 2.0 પોર્ટલ કોઈ સામાન્ય વેબસાઈટ નથી

નવા જમાનાના આ FC 2.0 પોર્ટલને કોઈ સામાન્ય વેબસાઈટ સમજવાની ભૂલ કરવા જેવી નથી. આ FCRA (Foreign Contribution Regulation Act) હેઠળની તમામ સેવાઓનું આખું ને આખું ડિજિટલ પંચાંગ છે. નવી નોંધણી કરાવવી હોય, જૂના લાયસન્સનું નવીનીકરણ કરવું હોય કે વાર્ષિક રિટર્ન ભરવું હોય, બધું જ હવે ઓનલાઈન અને પારદર્શક બનશે.

નિયમોમાં સુધારા તથા આ પોર્ટલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વખતે કાયદાના રખેવાળોને ટેકનોલોજીના એવા હથિયાર આપ્યા છે કે લુચ્ચાઈ કરનારાઓ માટે બચવું મુશ્કેલ બનશે.

આધાર-આધારિત પ્રમાણીકરણ એટલે સંસ્થા ચલાવનારાઓની સાચી ઓળખ માટે સુરક્ષિત ટેકનોલોજીના માધ્યમથી ઓળખની ચકાસણી થશે. હવે કોઈ ડમી કે બેનામી ચહેરો પાછળ રહીને ખેલ નહીં રમી શકે.

OCR અને ઈ-સાઇન એટલે નકલી દસ્તાવેજો બનાવીને વિદેશી નાણાં સેરવી લેવાના દિવસો હવે ગયા. હવે સિસ્ટમ પોતે જ દસ્તાવેજોની ચકાસણી કરશે.

API-આધારિત વેરિફિકેશન એટલે આ બહુવિધ સરકારી ડેટાબેઝ સાથે સીધું કનેક્શન ધરાવે છે. એટલે કે, જો તમે એક સરકારી સિસ્ટમમાં જૂઠું બોલશો, તો બીજી સિસ્ટમ તરત જ લાલ બત્તી બતાવી દેશે.

સંસ્કૃતિનું જતન મંજૂર પણ ધર્મના નામે ધતિંગ બંધ

આ સુધારામાં સરકારે પહેલીવાર બહુ જ સ્પષ્ટ લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. દાન અને ધર્મના સંબંધને બહુ બારીકાઈથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. મંદિર, ગુરુદ્વારા, ચર્ચ કે મસ્જિદ જેવા પૂજા સ્થાનોની જાળવણી, ધાર્મિક ગ્રંથોનો અનુવાદ, લંગર અને અન્નદાન જેવી સામુદાયિક રસોડા સેવાઓ, તેમજ સ્થાનિક અને આદિવાસી શ્રદ્ધા પરંપરાઓના સંરક્ષણ માટે વિદેશી ભંડોળ વાપરી શકાશે. એટલે કે શ્રદ્ધા અને સંસ્કૃતિના નામે મદદ આવકાર્ય છે.

પરંતુ, અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ છે કે ધર્માંતરણ અથવા ધર્મ પ્રચાર માટે વિદેશી નાણાં વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય કે, શું કોઈ ધર્મ કે આસ્થાને જીવંત રાખવા માટે વિદેશી ડૉલર કે પાઉન્ડના જોરની જરૂર પડે ખરી? સાચી ભક્તિ તો નિઃસ્વાર્થ હોય છે, તો પછી સ્વૈચ્છિક સંગઠન ચલાવવા માટે  વિદેશી ફંડની આટલી બધી તાતી જરૂરિયાત કેમ ઊભી થાય છે? વિવેચકો ભલે આને કડક નિયંત્રણ ગણાવે, પણ દેશની સાંસ્કૃતિક સુરક્ષા માટે આ પગલું અનિવાર્ય જણાય છે.

સેવા કે સાજિશ? ખાતાં સીલ થાય ત્યારે જ જીવ તાળવે કેમ ચોંટે છે?

દેશમાં જ્યારે પણ કોઈ મોટી બિન-સરકારી સંસ્થા (NGO) કે ભવ્ય ટ્રસ્ટનું બેંક ખાતું સીલ થાય કે તપાસ એજન્સીઓ વહેલી સવારે દરોડા પાડે, ત્યારે મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયાના શૂરવીરો અને બૌદ્ધિકો બુમરાણ મચાવવા લાગે છે. પરંતુ શું કોઈ એ પૂછવાની તસ્દી લે છે ખરું કે આ સેવાના પવિત્ર મહોરા પાછળનો અસલી ચહેરો કયો છે?

જો વિદેશની કોઈ સંસ્થા ભારતના અંતરિયાળ ગામડામાં શાળા કે દવાખાનું બનાવવા કરોડો રૂપિયા આપે, તો તેમાં કોઈ જ વાંધો નથી. પરંતુ વાંધો ત્યારે પડે છે જ્યારે એ જ સેવાની ઓથ હેઠળ નિર્દોષ લોકોના મગજ ધોઈને દેશ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે, સમાજમાં વિભાજન ઊભું કરવામાં આવે છે અથવા દેશના વિકાસ કાર્યોને રોકવા માટે અદ્રશ્ય દોરીસંચાર થાય છે. આવા સમયે જો સરકાર લાકડી ન ઉગામે, તો શું આરતી ઉતારે?

કાગળિયાં અઘરાં છે કે પાપ છુપાવવું અઘરું છે?

ઘણી સંસ્થાઓ કોર્ટમાં એવી દલીલ કરે છે કે, “સાહેબ, આ નવી સિસ્ટમ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા એટલી અટપટી છે કે અમારો અડધો સમય તો સરકારી કાગળો બનાવવામાં જ નીકળી જાય છે, અમે સેવા ક્યારે કરીએ?”

આ દલીલ સાંભળીને તો દયા આવી જાય પણ જરા વિચારો, જે સંસ્થાઓ કરોડો રૂપિયાનું વિદેશી ફંડ મેળવી અને મેનેજ કરી શકતી હોય, શું તેમની પાસે ફોર્મ ભરવા માટે બે લાયક એકાઉન્ટન્ટ રાખવાની સગવડ નથી હોતી? જો તમારો હિસાબ કાચ જેવો ચોખ્ખો હોય, તો હિસાબ આપવામાં આટલો ખચકાટ કેમ? લોકશાહીમાં દાન આપનાર ગમે તે હોય, પણ તમારી જવાબદારી તો આ દેશની જનતા અને કાયદા પ્રત્યે જ હોવી જોઈએ ને?

પૈસા કોના, કેમ અને કોના માટે?

વિશ્વના ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં વિદેશી ફંડિંગનો ઉપયોગ કોઈ દેશના સાર્વભૌમત્વને નબળું પાડવા માટે સોફ્ટ પાવર તરીકે કરાયો હોય. ભારત જેવા વિવિધતાસભર દેશ માટે FCRA એ માત્ર ટેક્સ બચાવવાનો કે સામાન્ય બેંન્કિંગનો કાયદો નથી, પણ તે રાષ્ટ્રીય સુરક્ષાની એક મજબૂત દીવાલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code