ઢાકામાં બાંગ્લાદેશની નાપાક હરકત: કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવતા ભારતીય રાજદ્વારી લાલઘૂમ
નવી દિલ્હી, 7 જુલાઈ 2026: શેખ હસીના સરકાર સત્તામાંથી બહાર થયા બાદ પાડોશી દેશ બાંગ્લાદેશના તેવર સતત બદલાયેલા જોવા મળી રહ્યા છે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવે તેવી પ્રવૃત્તિઓ વચ્ચે હવે ઢાકામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ઢાકામાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. જો કે, કાર્યક્રમમાં હાજર ભારતીય રાજદ્વારીએ આ હરકત પર તાત્કાલિક અને કડક વાંધો ઉઠાવીને બાંગ્લાદેશને તેની ઓકાત બતાવી દીધી હતી.
અહેવાલ મુજબ, ઢાકામાં ‘બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ દ્વારા એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય હાઈકમિશનના સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝા પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ રાજદ્વારી તારિક એ. કરીમે પ્રેઝન્ટેશનમાં ભારતનો એક નકશો સ્ક્રીન પર દર્શાવ્યો હતો. આ નકશામાં મોટી ગરબડ હતી અને તેમાં જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવાયું હતું.
નકશામાં આ ગંભીર ભૂલ જોતા જ ભારતીય રાજદ્વારી પૂજા કુમારી ઝાએ ભરચક સભામાં તુરંત વાંધો ઉઠાવ્યો અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, “અહીં દર્શાવવામાં આવેલો ભારતનો નકશો તદ્દન ખોટો અને ભ્રામક છે. આ નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે, જે સ્વીકારી શકાય નહીં. જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે.”*
-
ભારતની આકરી પ્રતિક્રિયાથી બાંગ્લાદેશ બેકફૂટ પર, આપવી પડી સફાઈ
ભારતીય મહિલા રાજદ્વારીના આ આકરા વલણ અને કડક વાંધા બાદ સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને બાંગ્લાદેશી વહીવટીતંત્ર તુરંત બેકફૂટ પર આવી ગયું હતું. નકશો રજૂ કરનાર બાંગ્લાદેશના પૂર્વ રાજદ્વારી તારિક એ. કરીમે પોતાની ભૂલ છુપાવતા સફાઈ આપવી પડી હતી. તેમણે બહાનું બનાવતા કહ્યું કે, આ નકશાનો ઉપયોગ માત્ર પ્રતીકાત્મક હેતુ માટે કરવામાં આવ્યો હતો અને નકશામાં દર્શાવેલી સરહદો વાસ્તવિક નથી.
-
વિદેશ મંત્રાલયની સ્પષ્ટ સૂચના: નકશા સાથે છેડછાડ સાંખી લેવાશે નહીં
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતનું વલણ હંમેશાંથી અત્યંત સ્પષ્ટ અને મક્કમ રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વભરમાં તૈનાત પોતાના તમામ નાના-મોટા રાજદ્વારીઓ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવેલી છે કે, દુનિયાના કોઈપણ ખૂણે જો ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવે, તો પ્રોટોકોલની ચિંતા કર્યા વિના ત્યાં જ તેનો સખત વિરોધ નોંધાવવો. ઢાકામાં ભારતીય રાજદ્વારી પૂજા કુમારી ઝાએ આ જ દિશામાં ત્વરિત અને નીડરતાપૂર્વક પગલું ભરીને દેશનું ગૌરવ જાળવી રાખ્યું છે.


