1. Home
  2. ગુજરાતી
  3. કરાચીમાં હાફિઝ સઈદની ગુપ્ત બેઠક: બુરહાન વાનીની પુણ્યતિથિ પર કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરુ
કરાચીમાં હાફિઝ સઈદની ગુપ્ત બેઠક: બુરહાન વાનીની પુણ્યતિથિ પર કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરુ

કરાચીમાં હાફિઝ સઈદની ગુપ્ત બેઠક: બુરહાન વાનીની પુણ્યતિથિ પર કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરુ

0
Social Share

નવી દિલ્હી, 7 જુલાઈ 2026: હિઝબુલ મુજાહિદ્દીનના માર્યા ગયેલા કમાન્ડર આતંકી બુરહાન વાનીની 10મી પુણ્યતિથિ નિમિત્તે પાકિસ્તાનના કરાચીમાં આતંકી આકાઓની એક મોટી ગુપ્ત બેઠક મળી હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. 5 જુલાઈના રોજ લશ્કરે-તૈયબાના રાજકીય સંગઠન પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના મુખ્યાલયમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં જૈશે-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા ખતરનાક આતંકી સંગઠનોના 14 મોટા આતંકવાદીઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતના જમ્મુ-કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવા અને કાશ્મીરી યુવાનો સુધી હથિયારો પહોંચાડવાનું ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઓપરેશનની આગેવાની ‘ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ’ના સંયોજક ગુલામ મોહમ્મદ સૈફી કરી રહ્યા હતા. બેઠકમાં લશ્કરે-તૈયબાના આતંકી અને પીએમએમએલના વાઇસ પ્રેસિડેન્ટ મેહંદી ઇશહાક, મોહમ્મદ તલહા સઈદ, સૈફુલ્લા કસુરી અને હાફિઝ અબ્દુલ રહીમ સહિત 14 આતંકીઓ 8 જુલાઈની સાજિશનો આખો રોડમેપ લઈને બેઠા હતા. બેઠકની શરૂઆતમાં મેહંદી ઇશહાકે જેલવાસ ભોગવી રહેલા લશ્કરના આકા હાફિઝ સઈદનો દોઢ પાનાનો ગુપ્ત સંદેશ વાંચી સંભળાવ્યો હતો. આ સંદેશમાં કાશ્મીર ખીણના યુવાનોને બુરહાન વાનીના નામે ફરી ભડકાવવા અને ખીણમાં સક્રિય આતંકીઓના સ્લીપર સેલને એક્ટિવ કરવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.

આ આતંકી બેઠકમાં નક્કી કરાયું છે કે, બુરહાન વાનીના મોતના દિવસે જ કાશ્મીરી યુવાનોના હાથમાં ફરીથી હથિયારો સોંપવાની કવાયત તેજ કરવામાં આવે. આ પ્લાન માટે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા સંપૂર્ણ આર્થિક અને સૈન્ય મદદ આપવાનો ભરોસો અપાયો છે. આ આખા ભારત વિરોધી ઓપરેશનને પીઓકેના મુઝફ્ફરાબાદથી ઓપરેટ કરવામાં આવશે, જેની જવાબદારી હુર્રિયત નેતા ગુલામ મોહમ્મદ સૈફીને સોંપવામાં આવી છે.

  • ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતા જ આખી કાશ્મીર ખીણ છાવણીમાં ફેરવાઈ

પાકિસ્તાનની આ નાપાક સાજિશનો ખુફિયા ઇનપુટ મળતા જ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્ર સરકાર અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળો સાથે માહિતી શેર કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ કાળે પાકિસ્તાન કે આતંકી સંગઠનોને કાશ્મીરની શાંતિ ડહોળવા દેવામાં આવશે નહીં. સમગ્ર કાશ્મીર ખીણમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

સંરક્ષણ બાબતોના નિષ્ણાત અને ભારતીય સેનાના નિવૃત્ત બ્રિગેડિયર એસ.પી. સંધુએ આ અંગે જણાવ્યું હતું કે, “બુરહાન વાનીની બરસી પર પાકિસ્તાને જે પ્રકારનું કાવતરું ઘડ્યું છે, તેનાથી ફરી એકવાર સાબિત થાય છે કે પાકિસ્તાન આતંકવાદને જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જો કે, કાશ્મીરમાં હાજર આપણા બહાદુર સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાનના આ નાપાક ઈરાદાઓને ક્યારેય પૂરા થવા દેશે નહીં.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code