મહારાષ્ટ્રમાં અવકાશી આફત: મુંબઈ-પુણેમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, પુણેમાં પાંચના મોત
મુંબઈ, 7 જુલાઈ 2026: મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પુણે, રાયગઢ અને રત્નાગિરી સહિતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પુણે જિલ્લામાં વરસાદ સંબંધિત જુદા-જુદા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભારતીય હવામાન વિભાગએ દરિયાકાંઠાના જિલ્લાઓ માટે આગામી 48 કલાક માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
પુણેના જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડીના જણાવ્યા અનુસાર, જિલ્લાના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 22 સ્થળોએ ભૂસ્ખલન અને એક જગ્યાએ દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. આ દુર્ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. વહીવટીતંત્રે ત્વરિત કાર્યવાહી કરીને જલભરાવ વાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લાના બે મુખ્ય રસ્તાઓ સહિત કુલ નવ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દેહુ અને આલંદીથી નીકળતી વારકરી યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ અતિશય પાણી ભરાયા હોય તેવા અને ભીડભાડવાળા વિસ્તારોમાં સીધા પહોંચવાને બદલે પુણે મહાનગરપાલિકા વિસ્તાર અથવા આગળના નિર્ધારિત સ્ટોપ પરથી જ યાત્રામાં જોડાય.
લોનાવાલામાં સતત વધતી જતી પાણીની સપાટીને જોતા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળની વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે બેઠક યોજીને રાયગઢ અને રત્નાગિરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. મહાડમાં પહેલાથી જ એનડીઆરએફની ટીમ તૈનાત છે, જ્યારે સુધાગઢ અને રોહા માટે 145 વધારાના બચાવકર્મીઓની માંગ કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
-
મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 32 કલાકથી બંધ
સતત પડી રહેલા વરસાદ અને ફૂંકાતા તેજ પવનને કારણે મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા 32 કલાકથી વધુ સમયથી બંધ છે. રાયગઢ વિસ્તારમાં રસ્તો બ્લોક થવાના કારણે હજારો મુસાફરો અને વાહનો અટવાયા છે. પ્રશાસન દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રશાસન અને મંત્રી અદિતિ તટકરેએ નાગરિકોને અપીલ કરી છે કે આગામી 48 કલાક અત્યંત સંવેદનશીલ છે. લોકો જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે અને બિનજરૂરી મુસાફરી ટાળે. હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનનો ખતરો સતત તોળાઈ રહ્યો છે.


