IIM બેંગલોર ઈન્ડોનેશિયામાં કેમ્પસ સ્થાપશે, આસિયાન ક્ષેત્રના યુવાનોને નોંધપાત્ર લાભ મળશે
નવી દિલ્હી, 7 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર (IIMB) ઇન્ડોનેશિયામાં પોતાનું કેમ્પસ સ્થાપશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કેમ્પસથી સમગ્ર આસિયાન પ્રદેશના યુવાનોને ઘણો મોટો ફાયદો થશે. પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથેના તેમના સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવિત કેમ્પસ સિંગહાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, માલાંગ, ઇન્ડોનેશિયા ખાતે સ્થાપિત કરવામાં આવશે અને તે ભારતના ઉચ્ચ શિક્ષણ ઇકોસિસ્ટમના આંતરરાષ્ટ્રીયકરણ તરફ એક ઐતિહાસિક પગલું છે.
આ જાહેરાત ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. IIM અમદાવાદ દ્વારા દુબઈમાં, આઈઆઈટી દિલ્હી દ્વારા અબુ ધાબીમાં અને આઈઆઈટી મદ્રાસ દ્વારા ઝાંઝીબારમાં વિદેશી કેમ્પસની સફળ સ્થાપના પર આગળ વધતા, આ પગલું વિશ્વભરમાં શિક્ષણ, સંશોધન અને ઇનોવેશનમાં ઉત્કૃષ્ટતાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ એવા એક વિશ્વસનીય વૈશ્વિક જ્ઞાન ભાગીદાર તરીકે ભારતના વધતા કદને રેખાંકિત કરે છે. ઇન્ડોનેશિયામાં પ્રસ્તાવિત કેમ્પસ IIMB નું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ હશે અને તે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સસ્તું શિક્ષણ આપનારા વૈશ્વિક પ્રદાતા તરીકે ભારતના ઉદયને રેખાંકિત કરે છે. આ પહેલ ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં શૈક્ષણિક સહયોગ, માનવ મૂડી વિકાસ અને જ્ઞાન ભાગીદારીને મજબૂત કરવા માટે ભારત અને ઇન્ડોનેશિયાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ કેમ્પસની સ્થાપના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના વિઝનને આગળ વધારવામાં પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અગ્રણી ભારતીય સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઉપસ્થિતિ સ્થાપવા અને વિશ્વસ્તરીય શિક્ષણ સુધી પહોંચ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. આ કેમ્પસ માટે તૈયાર કરવામાં આવેલો અભ્યાસક્રમ ઉભરતા વ્યાપારી પરિદૃશ્યના પાંચ મહત્વપૂર્ણ તત્વોને સામેલ કરીને ભવિષ્ય માટે સજ્જ આગેવાનો તૈયાર કરવાનો એજન્ડા નક્કી કરશે, જે આ મુજબ છે: વૈશ્વિક પુરવઠા શૃંખલા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આબોહવા અને ટકાઉપણું, અને આરોગ્ય સંભાળ વ્યવસ્થાપન. ઉદ્યોગના અગ્રણીઓ નોંધપાત્ર શિક્ષણવિદો, પ્રખ્યાત વૈશ્વિક હસ્તીઓ અને મહાનુભાવો સાથેની વાતચીત દ્વારા દરેક કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવવામાં આવશે.
-
IIMB ના પ્રસ્તાવિત કાર્યક્રમો બે તબક્કામાં અમલમાં મુકાશે
આઈઆઈએમ બેંગલોરના પ્રસ્તાવિત કાર્યક્રમો બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કો વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયિક અગ્રણીઓ અને જાહેર ક્ષેત્રના વ્યાવસાયિકોને લક્ષ્યમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ સાથે શરૂ થશે. શરૂઆતના બે વર્ષમાં પ્રથમ તબક્કાના સફળ અમલીકરણને આધીન, બીજા તબક્કામાં ડિગ્રી આપતા મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ આઈઆઈએમ બેંગલોર અને સિંગહાસરી સેઝના મેનેજિંગ અને ડેવલપમેન્ટ એકમ પીટી ઇન્ટેલિજેન્સિયા ગ્રહાતમા વચ્ચેના એમઓયુ દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
આ કેમ્પસ મુખ્યત્વે ઇન્ડોનેશિયાના નાગરિકોની સેવા કરવા માટે છે, જ્યારે તે પડોશી દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સહભાગીઓને પણ આકર્ષિત કરશે. ઇન્ડોનેશિયાના સહભાગીઓને બેંગલુરુ કેમ્પસની ટૂંકી શૈક્ષણિક ઇમર્સન મુલાકાતો લેવાની તક મળશે, જેનાથી તેઓ ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમ, ઉદ્યોગ અને વ્યવસાયિક વાતાવરણનો અનુભવ મેળવી શકશે. આ પહેલથી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના લાંબા સમયના સંબંધો વધુ ગાઢ બનવાની અપેક્ષા છે, જ્યારે ઇન્ડોનેશિયા ગુણવત્તાયુક્ત મેનેજમેન્ટ શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ પ્રાદેશિક હબ તરીકે સ્થાન મેળવશે. તે ગ્લોબલ સાઉથને વિશ્વસ્તરીય શિક્ષણ, નેતૃત્વ વિકાસ અને ઇનોવેશન માટે એક પસંદગીનું સ્થળ બનાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પણ મજબૂત કરે છે.


