નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલા પાયાવિહોણા નિવેદનો પર ભારતે આકરો પલટવાર કર્યો છે. યુનાઈટેડ નેશન્સ ખાતે ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગેહલોતે ‘રાઈટ ટુ રિપ્લાય’ હેઠળ પાકિસ્તાનના આતંકવાદ, બેવડા ધોરણો અને સરહદ પારની નાપાક હરકતોને વૈશ્વિક મંચ પર ખુલ્લી પાડી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે વારંવાર અસત્ય બોલવાથી તે સત્ય બની જતું નથી અને સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદના ગંભીર પરિણામો પાકિસ્તાને ભોગવવા પડશે.
પોતાના સંબોધનમાં પેટલ ગેહલોતે પાકિસ્તાનના આતંકવાદી રેકોર્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ન્યૂ યોર્ક શહેર અને સમગ્ર વિશ્વ દ્વારા 9/11 ના ભયાનક આતંકવાદી હુમલાની 25મી વરસી ઉજવવામાં આવ્યાના બે સપ્તાહ બાદ જ આ મંચ પરથી પાકિસ્તાને વિચિત્ર દાવા કર્યા છે. તેમણે યાદ અપાવ્યું કે 9/11 નો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાનની મુખ્ય સૈન્ય અકાદમીની સાવ નજીક એબટાબાદમાં છુપાયેલો રહ્યો હતો. તેમણે પાકિસ્તાનની વર્તમાન સરકાર પર પ્રહાર કરતા તેને ‘ફોર્મ 47 સરકાર’ ગણાવી હતી અને કહ્યું હતું કે સૈન્ય દ્વારા ચલાવવામાં આવતી આ સરકાર પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય.
ભારતીય રાજદૂતે ઉમેર્યું હતું કે જે સરકાર પોતાની રાજધાનીમાં જ પોતાના નાગરિકો વિરુદ્ધ સુરક્ષા ઘેરો બનાવી રહી છે, તે આંતરરાષ્ટ્રીય મંચ પર લોકશાહી અને માનવ મૂલ્યોની વાતો કરે તે હાસ્યાસ્પદ છે. આ સરકાર સેના દ્વારા અને સેના માટે જ બનેલી છે, જ્યાં કટપૂતળી નેતાઓ આવે છે અને જાય છે, પરંતુ વાસ્તવિક નિર્ણયો સેના જ લે છે. પાકિસ્તાનનું સત્ય તેના 27 મા બંધારણીય સુધારા અને તેના વાસ્તવિક શાસકોને મળેલી આજીવન છૂટછાટો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
-
ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓની દુર્દશા પર પ્રહાર
પેટલ ગેહલોતે કડક વલણ અપનાવતા કહ્યું કે, દિવસના સમયે સુરક્ષાની વાતો કરનારાઓ રાત્રે આતંકવાદ ફેલાવે છે. જે દેશનો મુખ્ય આધાર જ ઈશનિંદા (બ્લેસફેમી) કાયદાઓ પર ટકેલો છે, તે આ મંચ પર ધાર્મિક અસહિષ્ણુતા પર ભાષણ આપી રહ્યો છે. સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો ભયાનક વ્યવહાર કરવામાં આવે છે. આવી પોકળ અને મીઠી વાતોથી વિશ્વને ક્યારેય ગુમરાહ કરી શકાશે નહીં.
-
જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને રહેશે
જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વાંધાજનક નિવેદનોનો યોગ્ય જવાબ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. તેમણે ઉમેર્યું કે જો કાશ્મીર અંગે વાત કરવી જ હોય તો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર પર વાત કરવી જોઈએ. રાવલકોટના લોકો લાંબા સમયથી જે અત્યાચાર, અકારણ હત્યાઓ અને પાયાના અધિકારોથી વંચિત રહેવાની પીડા ભોગવી રહ્યા છે તે તેનો પુરાવો છે.
અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સમસ્યાના મૂળમાં પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતો સરહદ પારનો આતંકવાદ છે. ભારતે અગાઉ પણ સાબિત કર્યું છે કે આતંકવાદીઓ માટે ભાગવા કે છુપાવવા માટે કોઈ સુરક્ષિત જગ્યા રહેશે નહીં. ભારત આતંકવાદ સામે પોતાના બચાવના અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરશે અને પાકિસ્તાને તેના આતંકવાદના પરિણામો ભોગવવા જ પડશે. વારંવાર જૂઠું બોલવાથી પાકિસ્તાનની નીતિઓ છુપાઈ શકશે નહીં અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનના આ બેવડા ધોરણોને સારી રીતે ઓળખે છે.


