Homeગુજરાતીપટનામાં ગંગા કિનારે થયેલા ગેરકાયદે દબાણોને 6 અઠવાડિયામાં હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

પટનામાં ગંગા કિનારે થયેલા ગેરકાયદે દબાણોને 6 અઠવાડિયામાં હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

પટના, 24 જુલાઈ 2026: બિહારની રાજધાની પટનામાં ગંગા નદીના કિનારે વધી રહેલા ગેરકાયદે કબજાઓ અને અનધિકૃત બાંધકામો સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બિહાર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નૌજર ઘાટ અને નૂરપુર ઘાટ વચ્ચેના તમામ ગેરકાયદે દબાણ, બાંધકામો અને દબાણોને આગામી 6 અઠવાડિયાની અંદર કોઈપણ ભોગે દૂર કરવામાં આવે. અદાલતે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હાઇકોર્ટ અથવા જિલ્લા અદાલતો દ્વારા આ મામલે ભલે ગમે તેવા વચગાળાના આદેશો આપ્યા હોય, પરંતુ તેનાથી ઉપર રહીને સુપ્રીમ કોર્ટના આ નિર્દેશનું ચુસ્તપણે પાલન થવું જ જોઈએ.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલાની સુનાવણી દરમિયાન ગંભીર નોંધ લીધી હતી કે અગાઉ આપેલા આદેશો છતાં નૌજર ઘાટ અને નૂરપુર ઘાટ વચ્ચેના દબાણોને હટાવવા માટે જમીની સ્તરે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. અગાઉ 12 માર્ચ 2026ના રોજ કોર્ટે એ બાબતની ગંભીર નોંધ લીધી હતી કે દીધા ઘાટ અને નૌજર ઘાટ વચ્ચે કુલ 213 ગેરકાયદેસર દબાણો ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 58 દબાણો જ હટાવાયા હતા, જ્યારે બાકીના 145 દબાણો યથાવત સ્થિતિમાં ઊભા હતા. તે સમયે રાજ્ય સરકારે વિલંબ પાછળ નીચલી અદાલતોના વચગાળાના આદેશોનું કારણ આગળ ધરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો નથી.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે દેશભરના તમામ રાજ્યોને ચેતવણી આપતા ગંગા કિનારે થયેલા દબાણો અને તેને હટાવવાની સ્થિતિ અંગે સાચી માહિતી રજૂ કરવાની અંતિમ તક આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યો આ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવોને સીધા સમન્સ કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular