ગાંધીનગર, 4 ઓગસ્ટ 2026: Health department on alert against Chandipura virus રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫ ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી ૨૨ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં ૭ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ૬ પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ગાંધીનગર, સાબરકાંઠા -હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને શ્રેષ્ઠ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દર્દીઓની સ્થિતિ પર તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામમાંથી જ તમામ કેસ નોંધાયા નથી, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપેલ છે. તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU બેડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવી, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. જેને ધ્યાને રાખીને તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાયરસ માટેની રસી અને અસરકારક દવાની શોધ માટે સઘન સંશોધન કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા નમ્ર અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાચા મકાનો કે માટીની દિવાલોની તિરાડોનું તુરંત પુરાણ કરાવવું જોઈએ. આ ઉપરાંત, બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ કે અન્ય કોઈ પણ ગંભીર લક્ષણો જણાતાં જ સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો. તેમણે નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમોને સાથ-સહકાર આપવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ વધુમાં કર્યો છે.

