અમદાવાદ, 3 ઓગસ્ટ 2026: Grand Kalash Yatra મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને ભવ્ય રીતે આવકારવામાં આવી હતી.
કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કળશ યાત્રાના જગન્નાથજી મંદિર ખાતે આગમન પ્રસંગે કળશ યાત્રામાં પધારેલા સાધુ-સંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવો તથા સાધુ સંતોના હસ્તે કળશ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે સૌ મહાનુભાવોએ પદયાત્રામાં સહભાગી થઈને જગન્નાથજી મંદિર સુધી પ્રયાણ કર્યું હતું. જગન્નાથ મંદિરે પહોંચીને કળશ યાત્રાએ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોના હસ્તે કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષએ પૂજ્ય સાધુ-સંતોના આશીર્વચન મેળવ્યા હતા તેમજ જગન્નાથજી મંદિરમાં મહાઆરતીનો લાભ લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કળશ યાત્રાને આવકારતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા પ્રાગટ્ય વર્ષની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. સંત રવિદાસજીએ જાતિભેદ અને સામાજિક પૂર્વાગ્રહો દૂર કરી પ્રેમ, સમાનતા અને સમાન તકો આધારિત ‘બેગમપુરા’ નામના આદર્શ સમાજની કલ્પના કરી હતી. તેમણે જૂનાગઢના સરસઈ ગામે રોકાણ કરીને ગુજરાતની પવિત્ર ધરતી પરથી પણ ભક્તિ, સમરસતા અને માનવતાનો અમર સંદેશો આપ્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સંત રવિદાસજીના વિચારો આજે વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર થકી સાકાર થઈ રહ્યા છે, જેના પરિણામે ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. બાહ્ય આડંબરના બદલે પવિત્ર મનનું મહત્વ દર્શાવતા સંતશ્રીએ ‘મન ચંગા તો કઠોતી મેં ગંગા’નો સંદેશ આપ્યો હતો એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેય સાથે દરેક સમાજને સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વારાણસીમાં સંત ગુરુ રવિદાસજીની જન્મસ્થળીનો ભવ્ય વિકાસ, સંત રવિદાસ એક્સપ્રેસ અને મધ્યપ્રદેશના સાગરમાં સ્મૃતિ-સંશોધન કેન્દ્ર જેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સૌ નાગરિકો સંત રવિદાસજીના ઉપદેશો અપનાવી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપે તેવો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

