એકવાર અર્જુને ગુરુ દ્રોણાચાર્યને પૂછ્યું કે, “ગુરુદેવ, જો સૂર્યાસ્ત પછી યુદ્ધ કરવું પડે અને અંધકારમાં લક્ષ્ય વેધવાનું હોય તો શું કરવું?”
પ્રશ્ન સામાન્ય નહોતો. દ્રોણાચાર્ય જેવા ગુરુ માટે શિષ્યના પ્રશ્ન પાછળ છુપાયેલો અનુભવ સમજવો મુશ્કેલ નહોતો. અર્જુન અને અશ્વત્થામા અગાઉ રાત્રે જંગલ તરફ ગયા હતા અને ત્યાં કોઈ અણધારી પરિસ્થિતિનો સામનો થયો હશે એવું દ્રોણાચાર્યે અનુમાન કર્યું હોય તેવી આ કથા આપણને એક ઊંડો સંદેશ આપે છે.
દ્રોણાચાર્યે સમજાવ્યું કે લક્ષ્યવેધન માટે માત્ર આંખો પૂરતી નથી. દૃષ્ટિ સાથ ન આપે ત્યારે બીજી ઇન્દ્રિયોનું મહત્ત્વ સમજવું પડે. અને એથી પણ ઉપર છે—ધ્યાન. પ્રકાશ હોય કે અંધકાર, જો મન સ્થિર હોય તો લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ શોધી શકાય છે. પરંતુ આંખો ખુલ્લી હોવા છતાં જો મન ભટકતું હોય તો પ્રકાશમાં પણ લક્ષ્ય દેખાતું નથી. આ જ વાત આજે આપણા જીવનમાં કેટલી સાચી લાગે છે!

આજે મેં મારા Facebookનું Professional Dashboard ચેક કર્યું. તેમાં જોવા મળેલા એક આંકડાએ મને વિચારતો કરી દીધો. મારી રીલ જોનારા લોકોની સંખ્યા ઘણી મોટી હતી, જ્યારે મારી લખેલી પોસ્ટ વાંચનારા લોકોની સંખ્યા માત્ર અઢી ટકા જેટલી હતી. આ માત્ર મારા Facebook પેજનો આંકડો નથી; મને લાગે છે કે આ આપણા સમગ્ર સમાજની બદલાતી માનસિકતાનો એક નાનો પણ ચોંકાવનારો અરીસો છે. આજે આપણે વીડિયો જોઈ શકીએ છીએ, પરંતુ વાંચવા માટે સમય નથી. રીલની થોડી સેકન્ડની દોડ આપણને ગમે છે, પરંતુ કોઈ વિચારને સમજવા માટે થોડા મિનિટ રોકાવું આપણને અઘરું લાગે છે. કોઈ વાત આંખ સામે ઝડપથી પસાર થઈ જાય તો આપણે જોઈ લઈએ છીએ, પરંતુ એ જ વાતને શબ્દોમાં વાંચીને સમજવી પડે ત્યારે આપણું ધ્યાન જાણે થાકી જાય છે. મને આ વાતે મહાભારતના ઉપર ટાંકેલા એ પ્રસંગની કલ્પના કરાવી.
આટલી બધી માહિતી વચ્ચે આપણું ધ્યાન ક્યાં છે?
આપણી પાસે માહિતીનો પ્રકાશ પહેલાં કરતાં અનેકગણો વધારે છે. મોબાઇલમાં દુનિયાભરની માહિતી ઉપલબ્ધ છે. Google, YouTube, Facebook, Instagram, WhatsAppજાણે આખી દુનિયા આપણા હાથમાં આવી ગઈ છે. પરંતુ સવાલ એ છે કે આટલી બધી માહિતી વચ્ચે આપણું ધ્યાન ક્યાં છે? આજે આપણું સૌથી મોટું સંકટ માહિતીનો અભાવ નથી. સંકટ છે ધ્યાનના અભાવનો. એક સમયે આપણે કોઈ લેખ વાંચતા તો શરૂઆતથી અંત સુધી વાંચતા. કોઈ પુસ્તક હાથમાં લેતા તો પાનાં ફેરવતાં ફેરવતાં વિચારની અંદર પ્રવેશતા. કોઈ વ્યક્તિ વાત કરતી ત્યારે તેની વાત પૂરી થાય ત્યાં સુધી સાંભળતા. કોઈ પ્રશ્ન સામે આવતો ત્યારે તેના પર વિચાર કરતા.
રીલ આપણને વિચાર આપતી નથી, પણ…
હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વીસ સેકન્ડની રીલ લાંબી લાગે છે, પરંતુ એક કલાક સુધી રીલ પર રીલ જોવામાં આપણને વાંધો નથી! એક પાનાનો લેખ વાંચવામાં કંટાળો આવે છે, પરંતુ સો જેટલી પોસ્ટ સ્ક્રોલ કરવામાં થાક લાગતો નથી. આ વિરોધાભાસ ખૂબ ગંભીર છે. રીલ આપણને વિચાર આપતી નથી, તે આપણું ધ્યાન પકડી રાખે છે. એક પછી એક દૃશ્ય, એક પછી એક અવાજ, એક પછી એક નવી ઉત્તેજના. આપણું મન એક જગ્યાએ રોકાય તે પહેલાં જ આગળની વસ્તુ આવી જાય છે.
ધીમે ધીમે મનને સતત નવી વસ્તુ મળવાની ટેવ પડી જાય છે. અને પછી કોઈ ગંભીર વિચાર સામે આવે ત્યારે મન કહે છે કે “આ બહુ લાંબું છે… આગળ વધો!” અહીંથી સમસ્યા શરૂ થાય છે. કારણ કે જીવનની મહત્ત્વની બાબતો રીલની જેમ થોડી સેકન્ડમાં સમજાતી નથી. વિજ્ઞાન સમજવા સમય જોઈએ. સંબંધ સમજવા સમય જોઈએ. ઇતિહાસ સમજવા સમય જોઈએ. સમાજ સમજવા સમય જોઈએ. અને સૌથી વધારે પોતાને સમજવા સમય જોઈએ. જો આપણે દરેક બાબતમાં તરત જ આગળ વધી જઈશું તો કદાચ જીવનની સૌથી મહત્ત્વની બાબતોને સમજ્યા વિના જ પસાર થઈ જઈશું.
અર્જુનની સૌથી મોટી શક્તિ હતી એકાગ્રતા
મહાભારતમાં અર્જુનની સૌથી મોટી વિશેષતા માત્ર તેનું નિશાન સારું હોવું નહોતું. તેની સૌથી મોટી શક્તિ હતી એકાગ્રતા. ગુરુ દ્રોણાચાર્યે જ્યારે પક્ષીની આંખનું લક્ષ્ય રાખીને શિષ્યોની પરીક્ષા લીધી ત્યારે અન્ય શિષ્યોને વૃક્ષ દેખાતું હતું, ડાળીઓ દેખાતી હતી, પાંદડાં દેખાતાં હતાં. અર્જુનને માત્ર લક્ષ્ય દેખાતું હતું. આજે આપણે પણ જીવનમાં ઘણાં લક્ષ્યો રાખીએ છીએ. આપણે સફળ થવું છે, સ્વસ્થ રહેવું છે, જ્ઞાન મેળવવું છે, વ્યવસાય વધારવો છે, પરિવારને સમય આપવો છે, સમાજ માટે કંઈક કરવું છે. પરંતુ આપણું ધ્યાન? એ તો એક સાથે સો દિશામાં દોડી રહ્યું છે. મોબાઇલની નોટિફિકેશન આવે છે. WhatsApp ખોલીએ છીએ. ત્યાંથી Facebook. Facebook પરથી Instagram. Instagram પરથી Reel. રીલમાંથી બીજી રીલ. અને પછી અચાનક એક કલાક ક્યાં ગયો એની ખબર પણ પડતી નથી.
શું હવે આપણે વાંચવા, સમજવા અને વિચારવા માટે તૈયાર નથી?
આપણે સમય ગુમાવ્યો એટલું જ નથી; આપણે ધ્યાન ગુમાવ્યું છે. અને ધ્યાન ગુમાવવું એટલે ધીમે ધીમે પોતાની દિશા ગુમાવવી. આથી મારા Facebook Dashboardનો એ અઢી ટકાનો આંકડો મને માત્ર સોશિયલ મીડિયાનો આંકડો લાગતો નથી. એ જાણે આપણને પૂછે છે કે “શું હવે આપણે વાંચવા, સમજવા અને વિચારવા માટે તૈયાર નથી?” કદાચ આપણે તૈયાર છીએ, પરંતુ આપણું મન સતત મળતી ઝડપી ઉત્તેજનાનું એટલું આદી થઈ ગયું છે કે લાંબા સમય સુધી એક જ વિષય પર રહેવું મુશ્કેલ બન્યું છે.
અહીં પુસ્તકનું મહત્ત્વ ફરીથી સમજવું પડે. પુસ્તક આપણને ધીમા પાડે છે. અને આજના ઝડપી યુગમાં કદાચ ધીમું થવું જ એક પ્રકારની માનસિક શક્તિ છે. પુસ્તક વાંચતી વખતે આપણે એક વિચાર સાથે થોડો સમય વિતાવીએ છીએ. વિચાર સાથે અસહમત હોઈએ તો પણ તેને સમજીએ છીએ. કોઈ વાક્ય ગમે તો ફરી વાંચીએ છીએ. પ્રશ્ન ઊભો થાય તો મનમાં ચર્ચા કરીએ છીએ. આ પ્રક્રિયા આપણને માત્ર જાણકાર નથી બનાવતી પણ વિચારશીલ બનાવે છે. રીલમાં આપણે જોઈને આગળ વધી જઈએ છીએ. પુસ્તકમાં આપણે વાંચીને અંદર જઈએ છીએ. બંને વચ્ચેનો આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે.
સોશિયલ મીડિયા જ્ઞાનનું અદ્ભુત માધ્યમ બની શકે છે, પરંતુ…
આ વાત સોશિયલ મીડિયા વિરુદ્ધ નથી. સોશિયલ મીડિયા જ્ઞાનનું અદ્ભુત માધ્યમ બની શકે છે. પરંતુ જ્યારે માધ્યમ આપણા ધ્યાનનો માલિક બની જાય ત્યારે સમસ્યા ઊભી થાય છે. મોબાઇલ આપણા હાથમાં હોવો જોઈએ, આપણું મન મોબાઇલના હાથમાં નહીં. આપણે ફરીથી આપણા મનને તાલીમ આપવી પડશે. દરરોજ થોડો સમય મોબાઇલથી દૂર રહેવાનો. કોઈ સારો લેખ પૂરો વાંચવાનો. કોઈ પુસ્તકના થોડા પાનાં શાંતિથી વાંચવાના. કોઈ વિચારને તરત “લાઈક” કે “ડિસલાઈક” કરવાને બદલે તેના પર વિચાર કરવાનો. અને સૌથી અગત્યની વાત તો એ જ છે કે જ્યારે કોઈ મહત્ત્વનું લક્ષ્ય સામે હોય ત્યારે બાકીની દુનિયાને થોડીવાર માટે બાજુ પર રાખવાની.
મન તો અમસ્તુય માંકડું છે, એને દોડવું જ છે અને…
કારણ કે અંધકારમાં પણ અર્જુનનું ધ્યાન સ્થિર હોય હોય છે ત્યારે તેનું લક્ષ્ય ગુમ થતું નથી. આજે આપણા જીવનમાં પણ કદાચ અંધકારનો પ્રશ્ન નથી. પ્રકાશ તો ખૂબ છે. સ્ક્રીનનો પ્રકાશ છે. માહિતીનો પ્રકાશ છે. નોટિફિકેશનનો પ્રકાશ છે. વીડિયોનો પ્રકાશ છે. પરંતુ આ બધાની વચ્ચે આપણું લક્ષ્ય ક્યાં છે? આ પ્રશ્ન આપણે પોતાને પૂછવો પડશે. મન તો અમસ્તુય માંકડું છે. એને દોડવું જ છે. અને સોશિયલ મીડિયાએ એને દોડવા માટે જાણે અનંત ઢાળ આપી દીધો છે.
પરંતુ જીવનમાં સફળ થવા માટે મનને સતત દોડાવવાની નહીં, જરૂર પડે ત્યારે રોકવાની કળા શીખવી પડશે. કારણ કે લક્ષ્ય સુધી પહોંચવા માટે માત્ર આંખો ખુલ્લી હોવી પૂરતી નથી. ધ્યાન સ્થિર હોવું જોઈએ. અને જ્યારે ધ્યાન સ્થિર થાય છે ત્યારે અંધકારમાં પણ લક્ષ્ય દેખાય છે. લક્ષ્ય સામે જ ઊભું હોય છે… જરૂર માત્ર એટલી છે કે આપણું ધ્યાન તેની સામે સ્થિર રહે.
*******


