સુરેન્દ્રનગર, 3 ઓક્ટોબર, 2026 : Carbocell stolen from 37 wells in Sayla and Thangadh areas ઝાલાવાડમાં થાનગઢ , સાયલા અને મુળી તાલુકો ખનીજચોરી માટે પંકાયેલા છે. ચોટિલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજચોરી સામે ઝૂંબેશ હાથ ધરીને કરોડો રૂપિયાની ખનીજચોરી પકડી હતી. તેમની ધાકને લીધે ખનીજચોરીમાં અંકૂશ મેળવી શકાયો હતો. પણ મકવાણાની બદલી થયા બાદ ફરી ખનીજ ચોરી થવા લાગતા સાયલા અને થાનગઢ વિસ્તારમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાનગઢ અને સાયલા તાલુકામાં 37 કૂવામાં કાર્બોસેલની ચોરી પકડી પાડવામાં આવી છે. 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સાયલાના ચોરવીરા ગામે કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર 11 જેટલા કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડી અને એક ટ્રેક્ટર અને અલગ અલગ લોખંડના પાઇપ, પેકેટ, કાર્બોસેલ સહિત કુલ રૂપિયા 35 લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 09 જેટલા મજૂરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ખોદકામ સાબડીયા લાલજીભાઈ ધનાભાઈ દ્વારા કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. આ દરોડા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાડવામાં આવ્યા છે.
જ્યારે ચોટીલા ડીવાયએસપીની ટીમ દ્વારા પણ દરોડા પાડવામાં પહોંચી છે. જેમાં ખાખરાળી ગામના કહેવાતા ચોપાટ વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યાં દરોડા પાડી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમ્યાન 07 જેટલા ગેરકાયદેસર ખનીજના કુવાઓ મળી આવ્યા છે. આ દરોડા દરમિયાન બે ટ્રેક્ટર, જનરેટર મશીન સાથે તેમાં લોખંડની પાઇપો તેમજ કાર્બોસિલ બ્રેકેટ મળી કુલ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે ખોદકામ કરવાની તપાસ કરવામાં આવતા સુરેશભાઈ ઝેઝરીયા, શિવકુભાઈ ખાચર, રાહુલભાઈ પરમાર અને રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે કુવાની માપણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 07 જેટલા કુવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા છે.
આ ઉપરાંત થાનગઢના મુનિદેવળ મંદિરના પાછળના વિસ્તારમાં ત્રણ ટીંબા વિસ્તાર ગણાતી સીમમાં પણ આકસ્મિક રેડ પાડવામાં આવી હતી અલગ અલગ 20 જેટલા કાર્બોસેલના ચાલુ કુવાઓ મળી આવ્યા હતા. આ અંગે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખોદકામ અરવિંદભાઈ સાતોલા ઉર્ફે ભુરાભાઈ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે અરવિંદભાઈ સાતોલા સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ચોટીલા ડીવાયએસપી બી.બી ભદુરિયાએ જણાવ્યું હતું કે, થાનગઢ સાયલા વિસ્તારમાં ખનીજ ચોરી ચાલુ થઈ ગઈ છે. પરંતુ તેને અટકાવવા માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. રાત્રિ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને જ્યાં પણ ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ શરૂ થયા છે ત્યાં દરોડા પાડવાની કામગીરી ચાલુ છે.


