1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આજથી પ્રારંભ
નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આજથી પ્રારંભ

નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આજથી પ્રારંભ

0
Social Share

ગાંધીનગર,04 ઓગસ્ટ 2026: Statewide baseline survey under the ‘Nipun Gujarat Abhiyan રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત ગુજરાતમાં અમલમાં રહેલા ‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે રાજ્યવ્યાપી ‘બેઝલાઇન સર્વે’નું આવતીકાલથી આયોજન કરવામાં આવ્યું છે.

આ સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને પાયાની ગણનક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી, સમગ્ર વર્ષ દરમિયાન જરૂરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આ સર્વે આવતીકાલ તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગુજરાતી ભાષા વિષયનો તથા તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે.

બેઝલાઇન સર્વે પૂર્ણ થયા બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ ચકાસવા માટે ‘મિડલાઇન સર્વે’ અને ‘એન્ડલાઇન સર્વે’નું પણ આયોજન કરવામાં આવશે. ત્રણેય સર્વેના પરિણામોના આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે અને રાજ્યકક્ષાના ઓનલાઈન પ્લેટફોર્મ પર ધોરણવાર તથા વિષયવાર ટ્રેકિંગ નોંધવામાં આવશે. મૂલ્યાંકનની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યકક્ષાએ પસંદગીની શાળાઓમાં ‘થર્ડ પાર્ટી એસેસમેન્ટ’ પણ હાથ ધરાશે.

સર્વેના પરિણામોના આધારે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે વાંચન, લેખન અને ગણિત ક્ષમતા સુધારવા માટે ખાસ ઉપચારાત્મક શિક્ષણ આપવામા આવશે. ‘FLN ગુજરાતી શિક્ષક માર્ગદર્શિકા’ મુજબ ઉપલબ્ધ ખાસ FLN શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને નિયમિત માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે, જેથી દરેક બાળક “નિપુણ બાળક” બની શકે.

સમગ્ર શિક્ષા અને GCERTના માધ્યમથી રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીઓ, BRC અને CRC કો-ઓર્ડિનેટર્સ દ્વારા શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ મોનીટરીંગ કરવામાં આવશે. સર્વે પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહેશે. જો કોઈ વિદ્યાર્થી સર્વેના દિવસે ગેરહાજર રહે, તો તે શાળામાં હાજર થયા બાદ તેનો સર્વે પૂર્ણ કરવાની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.

 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ આચાર્યો, શિક્ષકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, માતૃ સંસ્થાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને આ રાજ્યવ્યાપી અભિયાનમાં સક્રિય ભાગીદાર બની બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code