અમદાવાદ, 24 સપ્ટેમ્બર,2026 : NSUI protests against alleged scam of former Gujarat University Chancellor Neerja Gupta ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાના કથિત કૌભાંડો રોજબરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાના કથિત કૌભાંડ મુદ્દે કોઈ જ પગલાં ન લેવાતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં ભારે હંગામો મચાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આજે યુનિ કેમ્પસમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ગુજરાત યુનિના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાના કરોડો રૂપિયાના કથિત કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો સૌથી પહેલા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ત્યાં મોટો હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના કૌભાંડોમાં રજિસ્ટ્રારની પણ સીધી સંડોવણી છે. આથી કાર્યકરો રજિસ્ટ્રાર પીયૂષ પટેલની ચેમ્બરે પહોંચ્યા હતા, પરંતુ તેમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓ પાસે રજિસ્ટ્રારની ચેમ્બરની ચાવી માંગવામાં આવતા તેમની પાસે ચાવી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતથી આક્રોશમાં આવેલા કાર્યકરોએ દરવાજો ખોલાવવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો. આખરે રજિસ્ટ્રાર હાજર ન મળતાં અને દરવાજો ન ખુલતાં ઉગ્ર બનેલા કાર્યકરોએ રજિસ્ટ્રારની ઓફિસનો દરવાજો તોડી નાખ્યો હતો.
યુનિના રજિસ્ટ્રારની કચેરીનો દરવાજો તોડીને ઘૂસેલા એનએસયુઆઈના કાર્યકરોના ટોળાએ ગેરહાજર રજિસ્ટ્રારની ખુરશી પર નકલી ચલણી નોટોનો હાર પહેરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે અફરાતફરી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અને અન્ય અધિકારીઓ સામેના કૌભાંડના આક્ષેપોમાં કડક કાર્યવાહીની માગ સાથે NSUI દ્વારા આજે સમગ્ર ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યુ છે.


