Homeગુજરાતીગુજરાતહિંમતનગરઃ પૂરઝડપે બાઈક ગરનાળાની દીવાલને અથડાઈને પાણીમાં પડ્યુ, 2 યુવાનોના મોત

હિંમતનગરઃ પૂરઝડપે બાઈક ગરનાળાની દીવાલને અથડાઈને પાણીમાં પડ્યુ, 2 યુવાનોના મોત

હિંમતનગર, 24 સપ્ટેમ્બર,2026 : Bike hits bridge wall and falls into water, 2 youths die શામળાજી નેશનલ હાઈવે પર હિંમતનગર નજીક આવેલા કાકરોલ પાસે ગઈકાલે મોડીરાત્રે રાત્રે દોઢ વાગ્યાના સુમારે પૂર ઝડપે આવેલું બાઈક હાઈવે પરના ગરનાળાની દીવાલ સાથે અથડાતા બાઈકચાલક બાઈક સાથે ગરનાળાની નીચે પાણીમાં ખાબક્યો હતો. આ બનાવને પાછળ આવી રહેલા બાઈકચાલકે જોતા તેને બચાવવા માટે તે યુવાન પણ પાણીમાં કૂદી પડ્યો હતો. આમ બન્ને યુવાનો પાણીમાં ડુબી જતા મોતને ભેટ્યા હતા. આ કરૂણ દુર્ઘટનામાં ગામડી ગામના બંને આશાસ્પદ યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી ગામના 32 વર્ષીય અજયસિંહ પરમાર અને 25 વર્ષીય ભરતસિંહ પરમાર અલગ બાઈક પર જાદર મેળામાં જવા નીકળ્યા હતા. રસ્તામાં કાંકરોલ પાસે અજયસિંહની બાઈક ગરનાળાની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. આ અથડામણના કારણે અજયસિંહ ઉછળીને સીધા ગરનાળામાં ભરાયેલાં ઊંડા પાણીમાં પડ્યા હતા. દરમિયાન પાછળ બાઈક પર આવી રહેલા ભરતસિંહે આ અકસ્માત નજરોનજર જોયો હતો. તેમણે તુરંત પોતાની બાઈક ઊભી રાખી અજયસિંહને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. કમનસીબે પાણીનું ઊંડાણ વધારે હોવાથી બંને યુવકો ગરનાળાના પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ મંગળવારે રાત્રે 1.30 વાગ્યે સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ગરનાળામાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમની આગળની પ્રક્રિયા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે હિંમતનગર ફાયર ઓફિસર ઉત્કર્ષ પરીખે જણાવ્યું હતું કે, ગત રાત્રે કાંકરોલ પાસે નેશનલ હાઈવે પર આવેલા ગરનાળામાં અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓ પાણીમાં પડી ગયાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચીને શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમને બાદમાં પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ કામગીરી વેળાએ ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ હાજર રહી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular