Homeગુજરાતીદેશ-વિદેશ1984ના શીખ વિરોધી તોફાનના કેસમાં સજા ભોગવતા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું...

1984ના શીખ વિરોધી તોફાનના કેસમાં સજા ભોગવતા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2026: 1984ના ચકચારી શીખ વિરોધી રમખાણોના એક કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા સજ્જન કુમારનું ગુરુવારે (20 ઓગસ્ટ) નિધન થયું છે. 81 વર્ષીય સજ્જન કુમાર તિહાર જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા, જ્યાં અચાનક તબિયત લથડતાં તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. આ હિંસક ઘટના દરમિયાન ભીડને ઉશ્કેરવામાં સજ્જન કુમારની મુખ્ય ભૂમિકા હોવાનું સાબિત થયું હતું. આ કેસમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરનદીપ સિંહની હત્યા થઈ હતી. લાંબી કાનૂની લડત બાદ, દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 17 ડિસેમ્બર 2018ના રોજ તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા ફટકારવામાં આવ્યા બાદ તેમણે કોંગ્રેસ પક્ષની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું હતું.

કોર્ટે આ કેસમાં તેમને ગુનાહિત કૃત્ય આચરવા માટે ટોળુ ભેગા કરવા, તોફાન કરવા અને હત્યા સંબંધિત વિવિધ ગંભીર ધારાઓ હેઠળ દોષિત ગણાવ્યા હતા. જોકે, તેમની સજાને પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. સજ્જન કુમાર કોંગ્રેસ પાર્ટીના પ્રભાવશાળી નેતા હતા અને તેઓ બહાર દિલ્હી લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા. દરમિયાન ગુરુવારે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular